જિલ્લામાં દેશની સુરક્ષા માટે એહિતિયાતી પગલાં સ્વરૂપે ત્રાસવાદી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિ અટકાવવાના હેતુથી હોટલ, ગેસ્ટહાઉસ, આશ્રમ, ધર્મશાળા, મંદિરો, મસ્જિદો, ફાર્મહાઉસ, રિસોર્ટ સહિત તમામ યાત્રાળુ નિવાસોમાં રોકાતા તમામ મુસાફરોની વિગત ૨૪ કલાકની અંદર ઓનલાઈન પથિક પોર્ટલ http://pathik.guru/ પર એન્ટ્રી ફરજિયાત કરાઈ છે.
માલિકો અને સંચાલકો માટે આવશ્યક સૂચનાઓ:
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરી દ્વારા BNSS-2023 ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આવા સ્થળો પર કોઈ પણ મુસાફરને રોકાતી વખતે મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત પથિક પોર્ટલ પર તેમની વિગતો અપલોડ કરવી ફરજિયાત છે.
આઈડી પ્રૂફની ખાતરી ફરજિયાત:
મુસાફર પાસેથી આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવી માન્ય ફોટો આઈડીની ઝેરોક્સ સાથે સહી લેવાઈ જરૂરી છે. વિદેશી નાગરિકોની સી-ફોર્મ સાથેની એન્ટ્રી પણ પથિક પોર્ટલ અને FRRO મોડ્યુલ પર ફરજિયાત રહેશે.
રિસેપ્શન કાઉન્ટર પર આવશ્યક સુવિધાઓ:
ઈન્ટરનેટ સાથે કમ્પ્યુટર ઉપલબ્ધ રાખવું
રેકોર્ડ મેનટેન માટે પોલીસ વિઝિટ બુક, ઇમરજન્સી કોલ બુક, સીસીટીવી કેમેરા અને ત્રણ માસ સુધીના રેકોર્ડિંગનો બેકઅપ રાખવો
મુસાફર દ્વારા લાવેલા વાહનનો પ્રકાર અને નંબર પણ નોંધવો
ભાડે આપતા પહેલાં તમામ વ્યક્તિઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઓળખ પત્રોની વિગતો અવશ્ય લેવી
સંદેહાસ્પદ પ્રવૃત્તિઓની જાણ ફરજિયાત:
કોઈ પણ શંકાસ્પદ મુસાફર અથવા મુલાકાતી જણાય તો તાત્કાલિક એસ.ઓ.જી. શાખા, નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી ફરજિયાત રહેશે.
જાહેરનામાનું અમલ સમયગાળો:
આ નિયમો તા. ૫/૮/૨૦૨૫ થી ૩/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ભંગ કરનાર સામે BNSS-2023 ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ