જૂનાગઢ જિલ્લામાં ૧૦માં તબક્કાનો સેવાસેતુ આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી થશે પ્રારંભ.

જૂનાગઢ

નાગરિકોને વિવિધ સરકારી યોજના ઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યકિતગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે જૂનાગઢ જિલ્લામાં ૧૭મી સપ્ટેમ્બરથી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.

આ બેઠકમાં કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા એ અઘ્યક્ષસ્થાનેથી અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, પારદર્શી પ્રશાસન માટે કટિબધ્ધ સરકાર ધ્વારા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ ૦૩ કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દીઠ ૦૨ તથા નગરપાલિકા દીઠ ૦૨ કાર્યક્રમોનું આયોજન થશે. જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષા, નગરપાલીકા કક્ષા અને મહાનગરપાલીકા કક્ષાએ ૩૮ જેટલા સેવાસેતુ કાર્યક્ર નું સુદ્રઢ આયોજન કરવા વિવિધ સૂચનો કર્યા હતા.

વધુમાં જણાવ્યું કે, સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાતમંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ખાસ અભિયાન સ્વરૂપે કામગીરીને અગ્રિમતા આપી સેવાસેતુ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો દૈનિક ધોરણે ડીઝીટલ ગુજરાત પોર્ટલ ઉપર એન્ટ્રી કરવા કલેક્ટર દ્નારા સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા વહીવટીતંત્ર સામે ચાલીને જે-તે ક્લસ્ટરમાં સમાવિષ્ટ નિયમિત અંતરાલે આવક, જાતિ, ક્રીમી લેયર રાશન કાર્ડ, વિધવા સહાય, જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢી આપે છે અને સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવે છે. સમાજના તમામ વર્ગો માટે રાજય સરકારે યોજનાઓ બનાવી છે ત્યારે સેવાસેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા શ્રી અરવિંદભાઈ લાડાણી, કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.એફ.ચૌધરી,જિલ્લાના તમામ લાયઝન અધિકારીશ્રી ઓ તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)