જૂનાગઢ જિલ્લામાં ૩૭ હજાર થી વધુ પરીક્ષાર્થીઓ ધો.૧૦-૧૨ની પરીક્ષા આપશે

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

કલેકટરશ્રીએ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે માર્ગદર્શન અપાયું

વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતાં પડે તો કંટ્રોલ નંબર (૦૨૮૫)૨૬૩૦૧૫૧ પર સંપર્ક કરી શકાશે

જૂનાગઢ તા.૧૯ ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.ર૭/૦ર/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવાસીયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરી જૂનાગઢ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, કલેકટરશ્રીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે એસ.ટી.ની સહિતની સુવિધાઓ મેળવી હતી તેમજ કલેકટરશ્રીએ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા અને ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને ઓઆરએસ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવાં અને એસ.ટી.ની બસો પરીક્ષા સમય દરમ્યાન ટાઈમ પર ચલાવવા અને પરીક્ષા સુચારું આયોજન પરત્વે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયએ પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પ્રશ્નપત્રો માટે જિલ્લામાં ધોરણ-૧૦ માટે જૂનાગઢ અને કેશોદ એમ બે ઝોન તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે જૂનાગઢ અને કેશોદ અને ઝોન-૨ ખાતે કાર્યરત રહેશે, ધોરણ-૧૦ના ૨૩ પરીક્ષાસ્થળોના ૮૫૩ બ્લોકમાં કુલ ૨૪૩૯૧ પરીક્ષાર્થીઓ,ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨ પરીક્ષાસ્થળોના ૩૪૦ બ્લોકમાં કુલ ૧૦૮૨૧ પરીક્ષાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩ પરીક્ષાસ્થળોના ૧૩૯ બ્લોકમાં કુલ ૨૭૦૭ ૫રીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. અને વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતાં પડે તો કંટ્રોલ નંબર (૦૨૮૫)૨૬૩૦૧૫૧ પર સંપર્ક કરી શકાશે, પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરીક્ષાસ્થળોની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્ષ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ.ચૌધરી, ડીવાયએસપી શ્રી એ.એસ.પટ્ટણી, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ અને પરીક્ષા આયોજન સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)