જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક ઉકેલ લાવવા, પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા બાબત અપાયું આવેદન.

દ્વારકા ઓખા

ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા અને પાક નુકશાનીના ફોર્મ ભોળા ખેડૂતો સાથે જબરદસ્તી કરી બિન પિયતના જ ફરજીયાત ફોર્મ ભરાવ્યાં તેની જગ્યાએ પિયતના ફોર્મ ભરવાનો અલગથી સમય આપવા બાબત

અત્યારના આ આધુનિક યુગમાં ઘેડ વિસ્તારના 60 – 70 ગામો આઠ – દશ દિવસ સુધી સંપર્ક વિહોણા થઈ જાય એ વિશ્વગુરુના સપના બતાવતી, ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી કહેવાતી ડબલ એન્જીન સરકાર માટે કાળી લીટી સમાન, કલંક સમાન છે એનાથી પણ મોટી વાત મુખ્યમંત્રીશ્રી આપને તો કદાચ ધ્યાનમાં પણ નહીં હોય કે સરકારના ચોપડે ઘેડ વિસ્તારમાં ખરીફ પાક છે જ નહીં માત્ર રવિ પાક એક જ છે !! જો ખેડૂતો ખરીફ પાક વાવે, પુરના કારણે પાક નુકશાની થાય તો સરકાર કહે કે સરકારના ચોપડે ઘેડમાં ખરીફ પાક છે જ નહીં એટલે  તમારે પાક વાવવાનો જ નહોતો તમે શું કામ વાવ્યો ? તમને પાક નુકશાની વળતર ન મળે !! આજ છે આપણું આજ નું આધુનિક ભારત

જુનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાનાના 3 એમ કુલ 7 તાલુકાના 80 થી 90 ગામોના અંદાજે 2 લાખ 50 હજાર વસ્તી અને અંદાજે 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ  વિસ્તાર ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાંથી ભાદર, વેણુ, મીણસાર, ઊબેણ, ઓઝાત સાબરી, ટીલોરી, મઘુવંતી, છિપ્રાળી નદીઓ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કેર વર્તાવે છે. આ નદીઓના કાળા કેર ઉપરાંત અહીંના R & B અને સિંચાઈ વિભાગના ઇજનેરો પોતે નિષ્ઠાથી કામ કરવાના બદલે માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એ પદ્ધતિથી કામ કરી ઘેડના ઉત્થાન, વિકાસના નામે કરોડોના બિલો સરકારી ચોપડે ઉધારાય છે પણ ઘેડના લોકોની સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે. ઘેડ વિસ્તારમાં મુખ્ય છ સાત નદીઓ પસાર થાય છે તેની યોગ્ય મરામત, પ્રોટેક્શન દીવાલો, તેમના પરના પુલોની ડિઝાઇન, નદી દર વર્ષે સાફ કરવી, ઝાળી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે નદી ઊંડી પહોળી કરવાના બિલ કાગળ પર ઉધારાય છે એટલું જ નહીં પણ પ્રોટેક્શન વોલ 80 – 90 ના દાયકામાં બનાવેલી છે તે હજુ અકબંધ છે પણ છેલ્લા બે કે ત્રણ વર્ષ કે પાંચ દશ વર્ષ પહેલાં બનેલી પ્રોટેક્શન વોલ તૂટી જાય છે જેના કારણે નદી દર વર્ષે તૂટીને  ઓછામાં ઓછા 100 – 150 ખેડૂતોના ખેતરોમાંથી નદી પોતાનું વહેંણ કરે છે અને આ 100 – 150 જગ્યાએ નદી વહેણ બદલવાના કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે જેના કારણે આ ખેડૂતોને જમીન ધોવાણનું અને પાક નુકશાની દ્વારા ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. આ તૂટેલી નદી પછી આખા ઘેડમાં ફરી વળે છે જેથી ખેતરો, રોડ, રસ્તા ડૂબે છે ગામો ફરતે પાણી ભરાય જાય છે અને અંતે ગામો ટાપુમાં ફેરવાય કે સંપર્ક વિહોણા થાય છે આમ થવાનું ઉપરોક્ત મુખ્ય કારણો ઉપરાંત એક મહત્વનું કારણ એ છે કે ઉપરવાસમાં આવેલા ડેમોમાં પાણી છોડવાના મિસ મેનેજમેન્ટનો ભોગ આ વિસ્તાર બને છે જો ડેમમાં રહેલ પાણીનો ફૂલ ભરાવો કરવાના બદલે ધીમે ધીમે છોડવામાં આવે, એક ડેમમાં પહેલા પછી બીજા પીંછી ત્રીજા એમ વારાફરતી પાણી છોડવામાં આવે તો પાણી પણ ધીમે ધીમે દરિયામાં વહી જાય પણ એમ કરવાના બદલે બધા ડેમના પાટિયા એકી સાથે ખોલવાના કારણે લોકો વધારે ભોગ બને છે

અહીં આ વિસ્તારની બીજી એક ખૂબ જ ગંભીર સમસ્યા એ છે કે જેતપુર અને તેની આસપાસના સાડી ઉદ્યોગો દ્વારા કેમિકલ કચરો ઊબેણ, ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે જે કેમિકલ યુક્ત ઝેરી પાણી કે “લાલપાણી” ખેડૂતોના ખેતરોમાં આવતા ઉભો પાક નાશ પામે છે ખેડવા લાયક ખેતર બંજર થઈ જાય છે

અગાઉ 1992 સુધી સરકાર દ્વારા “ઘેડ વિકાસ સમિતિ”  કાર્યરત હતી તે દર વર્ષે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવતા, નદી ઊંડી પહોળી કરતા, ઝાળી ઝાંખરા સાફ કરતા અને નદીના મુખ્ય પ્રવાહને કોઈ વિક્ષેપ ન આવે તેની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી

ઘેડ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો સૌ પહેલા તો સરકારની મોદી ગેરેન્ટી જેવી કોઈ ગેરેન્ટી નહિ પણ નિયત સાફ રાખી મક્કમ નિર્ધાર સાથે સરકારે કામ કરવાની જરૂર છે આ વિસ્તારમાં પસાર થતી નદીઓને જરૂર જણાય તો એક બીજાને જોડી, ઉપરવાસના ડેમોના પાણી છોડવાના યોગ્ય મેનેજમેન્ટ કરવાની જરૂર છે આ વિસ્તારની નદીઓ દર વર્ષે સાફ કરવાની જરૂર છે નદીઓના છેવાડાના ભાગે દર વર્ષે જે માટી કાંકરા પથ્થર ભરાય જાય છે અને નદીઓ છીછરી થતી જાય તેનું દર વર્ષે મરામત કરવું જરૂરી છે. રેતી કાઢવાની લ્હાયમાં ભૂખ્યા ભુન્ડની જેમ ગેરકાયદેસર થતું રેતીનું ખનન નદીઓના મુખ્ય પ્રવાહને વિક્ષેપ ઉભો કરે છે તેને રોકવાની જરૂર છે સરકારે એક પ્રોજેક્ટના ભાગરૂપે નદીઓ ઊંડી પહોળી કરવાની જરૂર છે નદીઓની દીવાલો પર યોગ્ય પેચિંગ વર્ક કરવું જરૂરી છે જ્યાં જ્યાં નદીઓમાં વળાંક આવે છે ત્યાં ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે આ નદીઓ પરના પુલ છે તેની ઊંચાઈ વધારવી જોઈએ અને તે દરેક પુલના ગાળા પહોળા હોવા જોઈએ જેથી તેમાં જાળી ઝાંખરાં ન ભરાય જાય અને જ્યાં નદીઓ દરિયામાં ભળે છે ત્યાં યોગ્ય બારા મુકવાની જરૂર છે નદી ઊંડી પહોળી કરવા ખેડૂતોના ખેતરો, મકાન, કુવા જે કોઈ વસ્તુ આવે તેને સંપાદન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા જરૂરી છે એટલું જ નહીં મોટા મોટા શહેરોમાં 10 – 15 કિલોમીટરના ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થાય છે અમદાવાદ જેવા શહેરમાં લોકોને ટહેલવા માટે 40 – 45 હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપ થઈ શકે તો ઘેડ વિસ્તારને સંપર્ક વિહોણો થતા અટકાવવા માટે, ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન હલ કરવા માટે સરકાર પાસે બે – પાંચ હજાર કરોડ પણ ન હોય ??? સરકારે જ્યાં જરૂર જણાય ત્યાં ઊંચાઈ વાળા પુલો અને ડામરની જગ્યાએ ભ્રષ્ટાચાર વગરના સીમેન્ટ રોડ(RCC) બનવવા ખૂબ જરૂરી છે અને આ બધું દર વર્ષે બનતા અને તૂટતા ડામર રોડ, પુલ, પ્રોટેક્શન વોલના નામે ઉધારતાં બિલો કરતા એક વખત સામૂહિક ખર્ચ કરવો સરકાર માટે પણ લાભદાયી રહેશે

આ બધું કરવાની સાથે સાથે નદીમાં કેમીકલ છોડતા ઉદ્યોગો પર હપ્તા લીધા વગર ભ્રષ્ટાચારમાં ડૂબ પોલ્યુશન બોર્ડ દ્વારા કડક અમલ કરી આ કેમીકલ ને નદીમાં ઠાલવતા અટકાવવા કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે જો એ નહિ થાય તો ઘેડ વિસ્તારમાં જે એક પાક લેવાય છે તે આવતા પંદર – વિસ વર્ષમાં આ ઝેરી કેમિકલ ના કારણે આ ઘેડના ખેતરોમાં રહેલી માટી સિમેન્ટ જેવી કઠણ થઈ જશે ને કોઈ ખેડૂતો ખેતી કરી શકશે નહીં ખેતરો બંજર થઈ જશે એટલે સરકાર ઈચ્છે તો ઘેડ વિસ્તારના લોકોની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે

મહોદયશ્રી અમારી સ્પષ્ટ માંગ છે કે

1) અગાઉ 1992 પહેલા જેમ સરકાર દ્વારા રચિત “ઘેડ વિકાસ સમિતિ” કામ કરતી હતી તેમ અમારા આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા “‘ઘેડ વિકાસ નિગમ”‘ બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે.  તેના માધ્યમથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

2) ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે

3) ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ સહિતના નુકશાન પેટે SDRF મુજબ નહિ પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી 1000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં 2015 માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર રૂપિયા 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા તે પરિપત્ર આ સાથે સામેલ છે

4) જેતપુર અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંથી ભાદર – ઊબેણ નદીમાં ઝેરી કેમીકલ ઠાલવવામાં આવે છે જે આખેઆખા ઘેડ વિસ્તારને બરબાદ કરી રહ્યું છે અમારી બહુ સપસ્ટ માંગ છે કે આ ઝેરી કેમિકલ ભાદર, ઊબેણ નદીમાં ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે

5) પોરબંદર સોમનાથ જે નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો છે તે આખેઆખો કોસ્ટલ વિતારમાંથી પસાર થાય છે આ હાઇવે બનાવતી સંસ્થા NHAI અને ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે તું તું મેં મેં નો ભોગ આખો ઘેડ વિસ્તાર બન્યો છે કારણ કે બન્ને વિભાગોએ એકબીજા સાથે સંકલન કરી ઉપરોક્ત બધી જ નદીઓના પાણી નિકાલની જે વ્યવસ્થા ન કરી તેનું પરિણામ એ આવ્યું કે ઓઝાત, ભાદર, મીણસાર નદીનું પાણી આ વખતે પોરબંદરના ઝાંપામાં આવ્યું. સરકાર રોડ બનાવે તેનો વિરોધ નથી પણ આયોજન પૂર્વક બનાવે તેવી અમારી માંગ છે. ઘેળ વિસ્તારના ઓછામાં ઓછા 40 થી 50 ગામ  આ વર્ષે સંપર્ક વિહોણા થયા તેમાં મુખ્ય કારણ આ બે વિભાગોના સંકલન વગર તૈયાર કરવામાં આવેલ નેશનલ હાઇવે છે આ ઉપરાંત પોરબંદર થી મિયાણી સુધીના નેશનલ હાઇવે બનાવવામાં પણ આવી જ ભૂલનો ભોગ હજારો ખેડૂતો બની રહયા છે

6) માણાવદર તાલુકાના વેકરી ગામ પાસે ભાદર નદી પરનો જે પાળો તૂટેલો છે તેના કારણે ભાદર નદીનું 50% પાણી ત્યાંથી બહાર નીકળી જાય છે જેનો ભોગ ઓછામાં ઓછા 20 થી 30 ગામો બને છે આ 20 થી 30 ગામો માત્ર સરકારની લાપરવાહીનો ભોગ બની રહયા છે

7) ચાલુ વર્ષે કુતિયાણા તાલુકામાં 149%, રાણાવાવ તાલુકામાં 183% પોરબંદર તાલુકામાં 211% એમ પોરબંદર જિલ્લામાં સરેરાશ 180% વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે ત્યારે પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે

8) રાજ્ય/કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગકારોની અણઆવડત ના કારણે નિષ્ફળ ગયા હોય તેવા ઉદ્યોગપતિઓના 14 લાખ 56 હજાર કરોડ માફ કર્યા, 24 લાખ 95 હજાર કરોડ રાઈટ ઓફ કર્યા, 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ 10% ઘટાડી દર વર્ષે અંદાજે 4 લાખ કરોડની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો કર્યો છે ત્યારે ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિના કારણે અમારા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એટલે અમો અમારું ચાલુ વર્ષનું પાક ધિરાણ ભરવા માટે સક્ષમ ન હોઈએ અમારું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે

9) પોરબંદર જિલ્લામાં  18 થી 24 જુલાઈ વચ્ચે જે વરસાદ નોંધાયો તેના પાક નુકશાની ફોર્મ પોરબંદર જિલ્લામાં ભરવામાં આવ્યા તેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની મૌખિક સૂચનાથી માત્ર બિન પિયત પાકોના જ ફોર્મ ભરવામાં આવ્યા છે જે ખેડૂતના ખેતરમાં કૂવો, બોર, વિજળી કનેક્શન હોવા છતાં તેમને ફરજ પાડવામાં આવી કે તેઓ બિન પિયતના જ ફોર્મ ભરી શકશે ત્યારે સવાલ એ છે કે જે ખેડૂતને પિયત હોય, 33% થી વધારે નુકશાન પણ હોય તો તેને રાજ્ય સરકારના તારીખ 23/08/2024 ના પરિપત્ર ક્રમાંક ACD/mis/e-file/2/2024/2765/k7 ના પારા (ક) ના “બ” મુજબ પિયત પાકોમાં 33% થી વધારે નુકશાન હોય તેને 44000 હજાર કાયદેસર મળવાપાત્ર હતા તો તેમને બિન પિયતના જબરજસ્તી ફોર્મ ભરાવી 22000 નું નુકશાન શા માટે કરવામાં આવ્યું ???

10) ચોમાસામાં ડેમ ઑવરફ્લો થવાના કારણે ઘેડ વિસ્તારના તમામ ગામોમાં જળબંબાકાર થાય છે જ્યારે સિયાળે ઉનાળે આ ખેડૂતોને પાણી જોઈએ ત્યારે સરકાર તેમની પાસેથી રૂપિયા ઉઘરાવે છે દુઃખની વાત તો એ છે કે આ ઘેળ વિસ્તારના ખેડૂતો રૂપિયા ભરે તો પણ તેમના સુધી પાણી શિયાળે ઉનાળે પહોંચતું નથી કેમ કે તેઓ તો સૌથી છેવાળાના ગામો છે ત્યાં પહોંચતા પહોંચતા તો પાણી ખતમ થઈ જાય છે ત્યારે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે તારીખ 4/4/2002 ના રોજ 3.30 કલાકે માનનીય સિંચાઈ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં થયેલી ભલામણ મુજબ અમને સિયાળામાં પૂરતું અને મફત પાણી આપવામાં આવે

11) ચૌટા થી સરાડીયા પાટિયા વચ્ચે ભાદર નદીનો જે પુલ આવે છે ત્યાં પુલ પાસે જ ભાદર નદીએ જિલ્લા પંચાયતનો રસ્તો ધોઈ નાખ્યો છે 50 ફૂટ જેટલી નદી ખેડૂતના ખેતરમાં ઘુસી ગઈ છે આ રસ્તો ધોવાઈ જવાના કારણે 200 જેટલા ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તો તે રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે

12) ચૌટા થી વેકરી જતો રાજાશાહી સમયનો રસ્તો આ નદીના ધોવાણના કારણે બંધ થઈ ગયો છે તે રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવે

13) પસવારી ગામે JETCO દ્વારા ઉભું કરવામાં આવેલ 66KV સબ સ્ટેશન આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ધ્યાનમાં રાખ્યા વગર જ બનાવવામાં આવેલ છે જેનો તાજો દાખલો આ વખતે ભાદર નદીમાં જ્યારે પુર આવ્યું ત્યારે 66kv પોતે જ ડૂબી ગયું હતું આસપાસના તમામ ગામો 5 – 6 દિવસ વીજળી વગર રહ્યા હતા સરકાર જ્યારે આવા બહુહેતુક પ્રોજેકટ બનાવે ત્યારે તેની ડિઝાઈન કરતા ઇજનેરો એટલું પણ નહીં વિચારતા હોય કે આ પુરગ્રસ્ત વિસ્તાર છે અહીં ખાડામાં નહિ પણ ટેકરા વાળી જગ્યા પર 66kv બનાવવું જોઈએ

14) ઉપરોક્ત વિસ્તારમાં ખેડૂતોને જ્યારે ખેતી માટે વીજળીની જરૂર હોય ત્યારે જ PGVCL દ્વારા વીજળી આપવામાં આવતી નથી જાહેર માધ્યમોની જાહેરાત, નેતાઓના ભાષણમાં, ચૂંટણી ઢંઢેરા અને ચૂંટણી વાયદાઓમાં જ 8 કલાક વીજળી આપવામાં આવે છે વાસ્તવમાં ખેડૂતોને સતત વિના અવરોધે ક્યારે 8 કલાક વીજળી મળી નથી

15) બાંટવા ડેમનુ પાણી જે લોકલ વોકળા માં જાય છે તે વોકળો સાવ છીછરો હોવાના કારણે પાણી ફલાંગી ખેતરોમા પથરાય જાય છે ઉભા પાક બળી જાય અને જમીનોનું મોટા પાયે ધોવાણ થાય છે જેથી કોડવાવ થાપલા રેવદરા તરખાઇ ગઢવાણા ધરસન અને મહિયારી સુધી જાય છે તે વોંકળાને ઉંડો કરી કાંઠે પાળા કરવા તેમજ જ્યાં વણાંક માં દર વષઁ તુટે ત્યાં પુર રક્ષણ પાકિ Rcc નીદિવાલો બનાવવા માં આવે

16) ઘેડ વિસ્તારમા કાસાબડ અને મહિયારી વચ્ચે જે બોબડિ નદિ ઉપર ક્ષાર અંકુશ સીંચાઇ દ્વારા ચેકડેમ બાંધવામાં આવ્યો છે તે કાંઠા સુધી ઉચો હોવાથી નદિ ફલાંગે છે જે ધરસન તરખાઇ મહિયારી વગેરે ગામોની ૩૦૦૦ વિધા જગ્યાને નુકસાન કરે છે જેની ઉંચાઇ ધટાળવાની માગણી છે

17) માગઁ અને મકાન વિભાગ પોરબંદર હેઠળનો પસવારી મોડદર રોડ અધુરો હોવાથી ૧૫૦૦ વિધાના ખેડુતોને ૧૫ કિમી ફરવા જાવું પડે છે જે તાત્કાલિક પુણઁ કરવો

18) જેમ ભાદર ઓઝત પર આવેલા ડેમોમાં પાણી છોડવામાં મિસ મેનેજમેન્ટ છે તેવી જ સમસ્યા વર્તુની પણ છે એ નદી પણ ઊંડી પહોળી કરવી, પ્રોટેક્શન વોલ કરવી અને પાણી છોડવા નિયંત્રણ અને ગેરકાયદેસર રેતી કાઢવાનું અટકાવવામાં આવે

19) કુતિયાણા તાલુકાના બાવડાવદર ગામમાં ઇશ્વરીયા પાસેના ક્લીન્દ્રિ ડેમમાંથી કેનાલ આવે છે તે બાવળાવદર પહોંચતા પહોંચતા એકદમ છીછરી થઈ જાય છે તેનો છેળાનો ભાગે આજે પણ ખોદયા વગર જ રાખી દેવામાં આવ્યો છે જેના કારણે ચોમાસામાં વરસાદનું અને નદીનું પાણી કેનાલમાં આવતા તે પાણી ખેડૂતોના ખેતરમાં જાય છે જે ઉભા પાકને ખૂબ મોટું નુકશાન કરે છે ત્યારે આ કેનાલને તાત્કાલિક ઊંડી કરવામાં આવે તથા છેડાનો જે ભાગ છે તે માત્ર 200 મીટર જેટલો ખોદી તેને મીણસાર નદી સાથે જોડી દેવામાં આવે તેવી અમારી માંગ છે

મહોદયશ્રી ઉપરોક્ત તમામ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે મજબુરન ખેડુતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડતના મંડાણ કરવા પડશે

અહેવાલ :- પૂજા દવે (દ્વારકા ઓખા)