જૂનાગઢ બાગાયત પોલિટેકનિકના ૪૨ વિદ્યાર્થીઓએ ૨૯૬ કુટુંબોની મુલાકાત લઈને ટીબી જાગૃતિ અભિયાનમાં આપ્યો યોગદાન.

જૂનાગઢ, તા. ૧ : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે જૂનાગઢ બાગાયત પોલિટેકનિકના ૪૨ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સેવા યોજનાના અંતર્ગત વિશેષ યોગદાન આપ્યું છે.

ટીબી માટે સંવેદનશીલ ગણાતા હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં શહેરી ક્ષય અધિકારી ડો. સ્વયમપ્રકાશ પાંડે અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડોર-ટુ-ડોર જાગૃતિ અભિયાન હાથ ધર્યું. આ દરમ્યાન વિદ્યાર્થીઓએ કુલ ૨૯૬ કુટુંબોની રૂબરૂ મુલાકાત કરીને ટીબી અંગે જાગૃતિ ફેલાવી અને પ્રશ્નોત્તરી દ્વારા સંભવિત દર્દીઓનું સ્ક્રિનિંગ કર્યું.

આ અભિયાન દરમ્યાન ૩૭ જેટલા શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા, જેઓને આગળની તબીબી તપાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ પહોંચાડ્યો હતો.

આ અભિયાનમાં બાગાયત પોલિટેકનિકના આચાર્ય ડો. એચ.એલ. કાચા, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર એન.વી. સાવલિયા, મદદનીશ વિતરણ શિક્ષણશાસ્ત્રી ડો. પી.એસ. શર્મા, શ્રીમતી એન.વી. નકુમ, એ.બી. દલ અને અન્ય શિક્ષકોએ પણ સહભાગીતા આપી.

જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર તેજસ પરમાર અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ