આજરોજ જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ૭ વેપારીઓને રૂ. ૪,૫૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો. જૂનાગઢના કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, મનપા કમિશનર ડો. ઓમ પ્રકાશ, ડીસીએફ અક્ષય જોશી, વન અધિકારી શ્રી ભાલીયા, તથા મનપાના આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) શ્રી કલ્પેશ ટોલીયા અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શિવરાત્રી મેળા ૨૦૨૫ પૂર્વે ચેકીંગ ડ્રાઈવ
ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધને અમલમાં લાવવા માટે આ ચેકીંગ હાથ ધરાયું. નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ આ વિસ્તારને ‘ઇકો સેન્સિટીવ ઝોન’ તરીકે જાહેર કરાયો છે અને ત્યાં પ્લાસ્ટિક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ચેકીંગમાં કઈ વસ્તુઓ કબ્જે કરાઈ?
પ્લાસ્ટિક બોટલ, નમકીનના પેકેટ, અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. ૭ વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા, તેમના પર રૂ. ૪,૫૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો.
સખત સૂચના અને અપીલ
વ્યાપારીઓને કડક સૂચના આપવામાં આવી કે તેઓ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રી વેચાણમાં રાખશે નહીં. સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઈકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરે અને પર્યાવરણ સુરક્ષિત રાખવા સહકાર આપે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)