જૂનાગઢ
આપણે ત્યાં કહ્યું છે કે ‘સેવા પરમો ધર્મ-સેવા એ પરમ ધર્મ છે’ આવા ભાવ સાથે જૂનાગઢ શહેરનાં સેવાપ્રકલ્પ એવા હાટકેશ હોસ્પીટલ ખાતે સેવા ક્ષેત્રે પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષોને સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરમાં આરોગ્યલક્ષી કામગીરી જ્યાં થઇ રહી છે તેવા હાટકેશ હોસ્પિટલ દ્વારા એક વિશિષ્ટ સન્માન કાર્યક્રમનાં પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રીએ આમંત્રિતો અને મહાનુભાવોને આવકારી ત્રીસ વર્ષ જૂની સંસ્થાની સેવા પ્રવૃતિની જાણકારી આપી હતી.
જૂનાગઢ સ્થિત લોઢીયાવાડીનાં મધ્યસ્થ ખંડમાં યોજાયેલ સન્માન જૂનાગઢના સાંસદ અને હાટકેશ હોસ્પિટલના નવા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ અમદાવાદના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એવા શ્રી નિરૂપમભાઈ નાણાવટીનું સન્માન કરવામાં આવ્યું.
આ તકે સન્માન પ્રતિભાવ વ્યક્ત કરતા રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાટકેશ હોસ્પિટલ સાથે વ્યક્તિગત ખૂબ જ જૂનો અને લાગણી સભર સંબંધ રહેલો છે, હાટકેશ હોસ્પિટલ જે પ્રકારની દર્દી દેવોની સેવા કરી રહી છે તે ખરેખર સરાહનીય છે, રાજેશભાઇએ જણાવ્યુ હતુ કે મારા માતૃશ્રી હાટકેશ સંસ્થામાં સારવાર લઈ ચુક્યા છે, હું સંસ્થાનો ઋણી ગણાઉ હવે હું હંમેશા આ સંસ્થાને મદદરૂપ બની રહુ એ ભાવ વ્યક્ત કરૂ છુ.
આ તકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ નરસિંહ મહેતાનાં વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વાક્યોને ટાંકીને જણાવ્યુ હતુ કે દરિદ્રનારાયણની સેવા કરવી એ જ પરમાત્માની સેવા, એ જ ઉપાસના છે. આપણે તો આધ્યાત્મ નગરનાં નગરજનો છીએ ત્યારે સંતો-મહંતોએ, ઋષિઓએ વેદથી વિવેકાનંદ સુધી આ રાષ્ટ્રની જે મહાન પરંપરા ચલાવી છે, જે મહાન પરંપરાએ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કેમ જીવવું, એના સ્વાભાવિક સંસ્કાર આપણને આપેલા છે, જે સંસ્કારના બળ ઉપર સમગ્ર સમાજના જીવનમાં એ ચેતનાશક્તિ નિરંતર ચાલ્યા કરે છે, ત્યારે સેવાનાં ભેખધારીઓનું સન્માન સેવાનું સન્માન છે.
આ પ્રસંગે ધારાશાસ્ત્રી શ્રી નિરૂપમભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે અમો જે કંઈ પણ કામગીરી કરી રહ્યા છીએ તે ફરજના ભાગરૂપે કરીએ છીએ છતાં પણ પોતાની જ ભૂમિ પર સન્માન થતું હોય ત્યારે પારિવારિક લાગણીનો એક અહેસાસ થતો હોય છે.
સન્માન સમારોહના કાર્યક્રમમાં જૂનાગઢનાં વિધાયક શ્રી સંજયભાઇ કોરડીયાએ સેવા સન્માન હાંસલ કરનાર સેવારથીઓની સેવા પરાયણતાને બિરદાવતા જણાવ્યુ હતુ કે જૂનાગઢની ભુમિ તો શેઠ શગાળશા અને નરસૈયાની ભુમિ છે. શિવરાત્રી અને પરિક્રમા દરમ્યાન લાખો લોકોને અન્નક્ષેત્રનાં માધ્યમે સેવા જ્યાં થતી હોય ત્યાં આરોગ્યની સેવામાં હાટકેશ જેવી આરોગ્ય સંસ્થા ઓની પણ આગવી ભુમિકા રહી છે. જાણીતા લેખક શ્રી શરદ ઠાકર ખાસ ઉપસ્થિત રહી પ્રસંગિક ઉદબોદનમાં સેવા અને જૂનાગઢની ભુમિનો સેવાપ્રભાવ વિશે વાત કરી હતી.
કાર્યક્રમમાં ખેતી બેંકના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા વિગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાટકેશ હેલ્થ કેર ફાઉન્ડેશનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)