જૂનાગઢના સેવાભાવના તીર્થ સમાન શહેરમાં છેલ્લા ૧૪ વર્ષથી લેઉવા પટેલ મહિલા મંડળ ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યું છે. આ મંડળની શરૂઆત પ્રીતિબેન બાબુભાઈ વઘાસિયાના નેતૃત્વમાં થઇ હતી, જેમણે જુનાગઢ શહેરમાં વસવાટ કરતી બહેનો માટે આત્મનિર્ભર બનવા માર્ગો ખોલ્યા છે.
સંસ્થાએ આજદિન સુધીમાં ૫૫૦૦થી વધુ બહેનોને સિલાઈ મશીન આપીને રોજગાર આપ્યો છે અને ૨૦૦૦થી વધુ દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરી પરિવારના ખભા હળવા કર્યા છે. કોરોનાકાળમાં પણ સંસ્થાએ ૫૦૦૦ રેશન કીટ વિતરીત કરી સેવાક્ષેત્રે માનવતાની વધુ એક શ્રેષ્ઠ મિસાલ પૂરું પાડી હતી.
મંડળ માત્ર આર્થિક નથી, પણ સામાજિક અને શૈક્ષણિક દિશામાં પણ ગરીબ પરિવારો માટે સક્રિય રહ્યું છે. વિધવા, ત્યક્તા બહેનો કે આવકવગરના પરિવારોને સમર્થન આપવું તેનો મુખ્ય હેતુ છે. મંડળના પ્રયાસો અંતર્ગત મહિલાઓ માટે ઘરના મસાલા, પાપડ, અથાણા અને હસ્તકલા જેવી સામગ્રીનું ઉત્પાદન અને માર્કેટિંગ વ્યવસ્થિત રીતે કરી દેવામાં આવે છે.
પ્રિતિબેન જણાવે છે કે “મારું જીવન એજ ધ્યેય છે – ગરીબઘરની બહેનો માટે આશા બનવું.” એક માતા, એક સંગઠિકા અને એક સાથીદારી તરીકે તેમણે અન્ય બહેનો સાથે મળીને મહિલા સશક્તિકરણના આ અભિયાનને ગામડે ગામે, ઝૂંપડપટ્ટી સુધી અને શિક્ષણ કેન્દ્રો સુધી પહોચાડ્યું છે.
મંડળ દ્વારા મજેવડી ગામે કૃષ્ણાબેન સરધારા અને રાણપુર ગામે વિભાબેન ઠુમરના સહયોગથી જાગૃતિ શિબિરોથી મહિલાઓમાં આત્મવિશ્વાસ, જાણકારી, અને દૃઢ નિર્ણયક્ષમતા વિકસાવવામાં આવી રહી છે.
આ અનોખી યાત્રા મહિલાઓને માત્ર આત્મનિર્ભરતાની નહીં, પણ આત્મસન્માન અને સામાજિક સમાનતાની નવી દિશા આપે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ