જૂનાગઢ, તા. ૨૬: જૂનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા જોષીપરા સ્થિત નારાયણ આશ્રમ ખાતે પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વનવાસી કલ્યાણ પરિષદના પુર્ણકાલીન સેવારથિ ચંદ્રકાન્તભાઇ રાવલાણી અને વનક્ષેત્રમાં જીવન સમર્પિત કરનાર સુશ્રી ગાયત્રીબેન વ્યાસે માં ભારતીની પ્રતિમાના ચરણોમાં દીવો પ્રગટાવી કરીને કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં વનવાસી પરિવારના સભ્યોએ “નીજ ગૌરવ કો, નીજ વૈભવ કો” જેવા ગૌરવગાન ગાઈ સમરસતાની ભાવના વ્યક્ત કરી હતી.
कार्यક્રમમાં મુખ્ય મહેમાન જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મહામંત્રી સંજયભાઈ પુરોહિતે વનવાસી કલ્યાણ પરિષદના સેવાકાર્યને બિરદાવી કહ્યું કે, “જીવસેવા એજ ઈશ્વરસેવા છે.” તેમ જ વિવેકપૂર્વક સેવા કરવાની પરંપરાને સમાજમાં ઊંડે સુધી પ્રસ્થાપિત કરવાનું કામ પરિષદ કરી રહી છે.
વનવાસી કલ્યાણ પરિષદના ચંદ્રકાન્તભાઈ રાવલાણીએ વાત કરતા જણાવ્યું કે, “સેવા કરવાથી પુણ્ય મળે કે ના મળે, પરંતુ સેવા કરનારને આનંદ અને આત્મસંતોષ જરૂર મળે છે.” સુશ્રી ગાયત્રીબેન વ્યાસે બહેનોને પ્રેરિત કરતા કહ્યું કે, “સેવા એ પરમ ધર્મ છે. જેવાં ભોજલરામ, જલારામ, રણછોડદાસજી બાપુએ જીવનભર સેવા કરી, તેમ આપણે પણ જીવનમાં પરમ સેવા કરવી જોઈએ.”
કાર્યક્રમમાં વનવાસી કલ્યાણ પરિષદના જિલ્લાના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ સોજીત્રાએ વનવાસી ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિની વિગતો રજૂ કરી. ડો. મુકેશ પાનસુરીયાએ વનક્ષેત્રમાં આયોજિત આરોગ્ય શિબીરો વિશે માહિતી આપી. ડો. મહેન્દ્ર તારપરાએ ધનસંગ્રહ અભિયાન અને નિધિ પાત્રોની વિગતો આપી.
આ પ્રસંગે વનવાસી કલ્યાણ પરિષદના કાર્યકર્તાઓએ “તું મૈં રક્ત એક” થી સામાજિક સમરસતાનો સંદેશ પાઠવ્યો. કાર્યક્રમનું સંચાલન ડો. હરેશભાઈએ કર્યું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે “ચલો જલાયેં દીપ વહાં, જહાં અભી ભી અંઘેરા હૈ” ના સંદેશ સાથે સમાપ્તિ થઈ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ