જૂનાગઢ : કામધેનુ યુનિવર્સિટી હેઠળની જૂનાગઢ વેટરનરી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એકમ તથા પશુ સારવાર સંકુલ દ્વારા તા. ૨૬ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય ડોગ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શ્વાનોના આરોગ્ય, જવાબદારીપૂર્વકના પાલનપોષણ તથા પ્રાણીકલ્યાણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, પાલતૂ શ્વાન માલિકો તથા પ્રાણીપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાથે જ શ્વાનો માટે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી, સલાહ સેવાઓ તથા એન્ટી રેબીઝ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ડૉ. એમ.એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર), ડૉ. એમ.આર. ગડરીયા (આચાર્ય, જૂનાગઢ વેટરનરી કોલેજ) સહિત ડૉ. આર.એચ. ભટ્ટ, ડૉ. એ.એ. વાઘ, ડૉ. એ.કે. બિલવાલ, ડૉ. જે.આર. ડામોર, ડૉ. નિલેશ પાડલિયા તથા ડૉ. પી.જી. ડોડિયા ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એસ.વી. માવદિયા (NSS અધિકારી)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમણે યુવાધનને પ્રાણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ડૉ. ત્રિવેદીએ પ્રસંગે આયોજકોની પ્રશંસા કરતા જણાવ્યું કે વેટરનરી વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં દયાળુતા અને પ્રાણીકલ્યાણ અંગે જાગૃતિ વધારવી સમયની માંગ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ