જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ દુકાનદારો, વેપારીઓ અને સેવા પ્રદાતાઓને વ્યવસાય વેરો સમયસર જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬નો વ્યવસાય વેરો તેમજ પાછલી બાકી રકમ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, જો કરદાતા સમય મર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરે તો વ્યવસાય વેરા કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવશે.
યાદીમાં જણાવ્યા મુજબ દુકાનદારો, વેપારીઓ, તબીબો, ટેકનિકલ તથા પ્રોફેશનલ કન્સલ્ટન્ટો, વીમા એજન્ટો, કોન્ટ્રાક્ટરો, ટુર ઓપરેટરો, કેબલ ટીવી ઓપરેટરો, એડવર્ટાઈઝિંગ એજન્ટો, સિનેમા ઘરો, આંગડીયા સેવાઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, બેંકો, એસ્ટેટ એજન્ટો અને કારખાના માલિકો સહિતના વ્યવસાયીઓને નિર્ધારિત મુદતમાં વ્યવસાય વેરો ભરવો ફરજિયાત છે.
વ્યવસાય વેરો જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદન, જનસેવા કેન્દ્ર (ગ્રાઉન્ડ ફ્લોર) ખાતે ઓફિસ સમય દરમિયાન જમા કરાવી શકાય છે.
જે કરદાતાઓએ હજુ સુધી વ્યવસાય વેરા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમણે તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવાની સૂચના પણ મહાનગરપાલિકાએ આપી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ