જૂનાગઢના પાતાપુર ગામે રૂ.૫ કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

જૂનાગઢ, તા. ૧૭:
જૂનાગઢના પાતાપુર ગામે આજે રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૫ કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ અધ્યતન શાળામાં ગરીબ, અનાથ તથા ડ્રોપઆઉટ દીકરીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેવા અને ભણવાની વ્યવસ્થા કરવામાં આવશે. આશરે ૧૫૦ જેટલી દીકરીઓને કોમ્પ્યુટર લેબ, વોકેશનલ ટ્રેનિંગ લેબ, લાઇબ્રેરી જેવી આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળશે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. “કન્યા કેળવણી”, “શાળા પ્રવેશોત્સવ” અને “બેટી બચાવો, બેટી પઢાવો” જેવા અભિયાનો દ્વારા શિક્ષણ પ્રત્યે લોક જાગૃતિ વધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષણ દ્વારા સશક્ત સમાજના નિર્માણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને વ્યાજ વિના લોન આપવાનો નિર્ણય જાહેર કરતાં મંત્રીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, અને સરપંચ પરેશભાઈ ધંધુકિયા સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ