
જૂનાગઢ, તા. ૩૦ એપ્રિલ:
આગામી ૪ મેના રોજ યોજાનાર NEET 2025 માટે જૂનાગઢમાં કુલ ૯ કેન્દ્રો પર ૨૪૭૨ પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપશે. આ મહત્વની રાષ્ટ્રીય લેવલની પરીક્ષા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય એ હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે પરીક્ષાના દિવસે વીજળીનો અવિરત પુરવઠો, પાણી અને ઓઆરએસ જેવી તાત્કાલિક આરોગ્ય સેવાઓ, એમ્બ્યુલન્સ, સાઇન બોર્ડ અને આરોગ્ય કર્મીઓ તમામ કેન્દ્રો પર મોજૂદ રહે તે સુનિશ્ચિત કરવું.
જુનાગઢ શહેરથી દૂર આવેલી કેદ્રીય વિદ્યાલય અને ખડીયા પોલીટેકનિક કોલેજ જેવી કેન્દ્રો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. પરીક્ષાર્થીઓને અનુકૂળતા રહે તે માટે જૂનાગઢ ST ડેપોમાંથી સવારે ૧૦:૦૦ વાગે બસો રવાના થશે અને પરીક્ષા પછી તેઓને પાછા લાવવામાં આવશે.
રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી દ્વારા તમામ જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સની માધ્યમથી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાગવાન, ઇન્ચાર્જ SP ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર N.F. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, GSRTC, PGVCL તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
NEET જેવી અગત્યની પરીક્ષા માટે જિલ્લાપ્રશાસન દ્વારા લેવામાં આવેલી આ અગાઉથી તૈયારીઓ પરીક્ષા કાર્યમાં યોગ્ય વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ ઊભો કરે તે નક્કી છે.
રિપોર્ટ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ