જૂનાગઢ
આપ નેતા પ્રવિણ રામના આહવાન બાદ રક્ષાબંધન નિમિત્તે આશા અને ફેસીલીટર બહેનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતાના મોટાભાઈ માનીને રાખડી મોકલશે. રાખડીની સાથે સાથે તમામ બહેનો પોતાના મોટાભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી ભેટસોગાદ સ્વરૂપે લઘુત્તમ વેતનની અને બીજી અન્ય માંગણીઓ પણ કરશે. પ્રવીણ રામે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આશાબહેનોની માંગણીઓ પૂરી કરી મુખ્યમંત્રીશ્રી મોટાભાઈ તરીકેની ભૂમિકા ભજવશે. માંગણીઓ માટે પ્રવીણ રામની આવી લાગણીસભર રજુવાત કરવાની પધ્ધતિથી શું મુખ્યમંત્રી પિગળશે ખરા???
આપ નેતા અને સફળ આંદોલનકારી એવા પ્રવીણભાઈ રામે ગુજરાતની આશાબહેનો અને ફેસિલીટર બહેનો માટે એક અનોખો પ્રોગ્રામ જાહેર કર્યો છે, આ પ્રોગ્રામને જોતા એવું લાગી રહ્યું છે કે વિરોધ કરવાની આખી પધ્ધતિ બદલી નાખી છે, સરકાર સામે સૂત્રોચ્ચાર કરવાની જગ્યાએ મુખ્યમંત્રીશ્રીને લાગણીઓથી સમજાવવાનો અને વાસ્તવિક પરિસ્થિતિ એમના સુધી પહોચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
આપનેતા પ્રવિણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને રક્ષાબંધનમાં આપની સંસ્કૃતિ મુજબ બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ ખુશીથી બહેનને ભેટસોગાદ આપે છે. અને જો કોઈ કિસ્સામાં ભાઈ કંજૂસાઈ કરે તો બહેન પ્રેમપૂર્વક અને લાડથી પોતાની ભેટ માંગી પણ શકે છે. કારણકે એ એમનો હક છે ત્યારે વધુમાં એમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તમામ આશાવર્કર બહેનો અને આશા ફેસીલીટર બહેનો આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતાના મોટાભાઈ માનીને રાખડી મોકલશે.રાખડીની સાથે સાથે તમામ બહેનો પોતાના મોટાભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી ભેટસોગાદ સ્વરૂપે લઘુત્તમ વેતનની અને બીજી અન્ય માંગણીઓ કરશે. ખૂબ જ લાડથી અને પ્રેમથી તથા જીદ સાથે બહેનો દ્વારા એમના મોટાભાઈ પાસે માંગણીઓ મૂકવામાં આવશે. બહેન માંગણી કરી શકે કારણકે એ એમનો અધિકાર છે અને બહેનની જીદ પૂરી કરવી તે મોટાભાઈ તરીકે મુખ્યમંત્રીની ફરજ છે.
આપ નેતા પ્રવીણ રામે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ તમામ બહેનોની રક્ષાબંધનની માંગણીઓને સ્વીકારશે અને ભાઈ તરીકેની ભૂમિકા ચોક્કસથી નિભાવશે. પરંતુ જોવું એ રહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભાઈ તરીકેની ભૂમિકા નિભાવે છે કે નહિ ?? જો કે એ તો હવે સમયે જ ખ્યાલ આવશે પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે પ્રવીણ રામે વિરોધ કરવાની અને માંગણીઓ રજૂ કરવાની પધ્ધતિ બદલીને તેમજ મુખ્યમંત્રીને મોટાભાઈ તરીકેની ભૂમિકામાં ઉભા કરીને મુખ્યમંત્રીશ્રીને વિચારતા તો કરી દીધા છે
અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)