જૂનાગઢમાં આયોજિત ૭૧મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું સમાપન.

શ્રેષ્ઠ ૧૨ ખેલાડીઓ ઓડીસા ખાતે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

જૂનાગઢ,તા. ૬ જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે ૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાંથી પસંદ થયેલ ૧૨ ખેલાડીઓ આગામી સમયમાં ઓડિસાના કટક ખાતે યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે,

૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું આયોજન ડૉ.સુભાષ યુનીવર્સીટી ખાતે જૂનાગઢ ડીસ્ટ્રીક (રૂરલ) કબડ્ડી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધા દરમિયાન ગુજરાત રાજ્યની અલગ અલગ જીલ્લાની કુલ ૨૯ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૩૪૮ ખેલાડીઓએ પોતાના જીલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું હતું. જેમાં ૫૮ કોચ અને મેનેજર પોતાની ટીમો સાથે ઉપસ્થિત રહ્યા હતા,

સ્પર્ધાનું સંચાલન અલગ અલગ જીલ્લાના ૩૨ નેશનલ લેવલના કવોલીફાઈડ ઓફિસિયલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ કબડ્ડીની રમતનું પોતાનું કૌશલ્ય દેખાડવા અને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા માટે સુંદર પ્રદર્શન કર્યું હતુ. ડૉ. સુભાષ યુનીવર્સીટી દ્વારા વિજેતા ત્રણેય ટીમને ટ્રોફીઓ દ્રારા સન્માનિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ ૩૪૮ ખેલાડીઓ માંથી ૨૬ ખેલાડીઓનું નેશનલ ટીમ માટેનું સિલેકશન કરવામાં આવશે. જેનો એક સપ્તાહ માટેનો કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. કોચિંગ કેમ્પનું આયોજન નેશનલ લેવલના કોચના દેખરેખ હેઠળ રહેશે. અને તેમાંથી ૧૨ ખેલાડીઓ પસંદ થઇ કટક (ઓડીશા) મુકામે તારીખ ૨૦-૦૨-૨૦૨૫ થી ૨૩-૦૨-૨૦૨૫ દરમિયાન નેશનલ ટીમનું ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ રાજ્ય કક્ષાની કબડ્ડી ચેમ્પિયનશિપના મુખ્ય સ્પોન્સર ડૉ.સુભાષ યુનીવર્સીટી રહી હત,

ગુજરાત રાજ્ય કબડ્ડી રમતમાં નવા આયામો સ્થાપી શકે તેમ છે કબડ્ડી સ્પર્ધાના કોચ અને ખેલાડીઓએ આપ્યા પ્રતિભાવો
જૂનાગઢ,તા. ૬ જૂનાગઢ (ગ્રામ્ય) કબડ્ડી એસોસિએશન અને ડો. સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન પ્રથમ વખત જૂનાગઢ ખાતે થયું હતું. જેમાં રાજ્યભરમાંથી ૨૯ ટીમોએ ભાગ લીધો હતો. જૂનાગઢ (ગ્રામ્ય) કબડ્ડી એસોસિએશન અને ડો. સુભાષ યુનિવર્સિટીના દ્રારા કરવામાં આવેલા આ સ્પર્ધાના આયોજનને ખેલાડીઓ અને કોચે બિરદાવવામાં આવ્યા હતા,


વડોદરા એમએસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ડો.ધવલ નામજોશી કહે છે કે, દરેક યુનિવર્સિટી જો કબડ્ડીને આવી જ રીતે પ્રોત્સાહન આપે તો ગુજરાત રાજ્ય કબડ્ડી ક્ષેત્રે નવા આયામો સ્થાપી શકે એમ છે. જયારે નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશનના કોચ ધવલ બારોટે જણાવ્યું હતું કે ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે રાજય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે. જે કબડ્ડીને રાષ્ટ્રીય ફલક પર લઈ જવામાં મદદરૂપ મળશે. વડોદરાના કિશન પંડયા એ તેનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, હુ ૧૭ વર્ષ થી કબડ્ડી રમુ છુ. અહિ અમને રમવા માટે સારો માહોલ મળ્યો છે. અમદાવાદના રાજપુત જેઠુસીંઘ, વડોદરાના ગૈારવ પુરોહિતે પણ કબડ્ડી એસોસીએશના પ્રયાસોને બીરદાવ્યા હતા,


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ ખેલ મહાકુંભના માધ્યમથી શાળા કક્ષાથી લઈને રાજ્યકક્ષાએ યુવાનો ભાગ લે અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવે એ માટે આયોજન હાથ ધરવામાં આવે છે. ઉપરાંત રાજય સરકાર દ્રારા રમત ગમત ક્ષેત્રે વિવિધ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે રાજય સરકાર ઉપરાંત સ્થાનિક સંગઠનો, વિવિધ રમતના એસોસિએશન પણ યુવાનો રમત ગમત ક્ષેત્રે તેની આંતરિક અને બાહ્ય શક્તિનો વિકાસ થાય, ખેલદીલી જેવા ગુણોનો વિકાસ થાય અને રમતગમત માટે એક સુંદર વાતાવરણ મળી રહે એ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)