જૂનાગઢ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં ભવનાથ પ્રવેશ દ્વારથી ઉડન ખટોલા ગિરનાર રોપવે સુધી વિકાસ પદયાત્રા -૨૦૨૪ યોજાઈ હતી. જેમાં પદાધિકારી-અધિકારી ઉપરાંત પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ભવનાથ પ્રવેશ દ્વાર ખાતેથી લીલીઝંડી આપી, આ પદયાત્રામાં જોડાયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ વિકાસ પદયાત્રાને ઉડન ખટોલા – ગિરનાર રોપ વે ખાતે સંબોધતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડલ બનાવવા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાની સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય ભરમાં અંદાજે રૂ. ૩૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસના કંડારેલા પથ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.
કૃષિ મંત્રીશ્રી એ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અવિરત વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. દેશને વિકાસના ટોચના સ્થાને પહોંચાડવા અને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બને તે માટે પ્રધાનમંત્રી શ્રી સંપૂર્ણ પ્રતિબદ્ધતા કાર્ય કરી રહ્યા છે, ત્યારે તેમાં દેશવાસીઓનો સહયોગ પણ આવશ્યક છે.
તેમણે કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠુ કરવા અને વિકાસના પંથે લઈ જવા, નર્મદાના નીર વિશાળ પાઇપ લાઇનના નેટવર્કથી ઘરઘર સુધી પહોંચાડવા, વાઇબ્રન્ટ સમિટ ના આયોજનથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસની હરણફાળ, સ્વચ્છ ભારત મિશન સહિતના પ્રજાલક્ષી કાર્યોનો પણ સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.
આ પદયાત્રાના સમાપન પૂર્વે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. ઉપરાંત કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયા અને ઉષા બ્રેકોના મેનેજરશ્રી કુલબીરસિંગ બેદીએ કૃષિ મંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આવકાર્યા હતા.
આ પ્રસંગે સંતશ્રી મહાદેવગીરીબાપુ, શ્રી દલપતગીરી બાપુ, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. એ. જાડેજા અગ્રણી ધર્મિષ્ઠાબેન કમાણી સહિતના પદાધિકારી અધિકારી ઉપરાંત કચેરીઓના કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)