જૂનાગઢમાં ટુરીઝમ કોર્પોરેશનના સહયોગથી ટુરિસ્ટ ગાઇડ અને હોપિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ

જૂનાગઢ:
જૂનાગઢમાં ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી ટુરિસ્ટ ગાઈડ અને હોસપિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. કુલ ૩૦ જેટલા તાલીમાર્થીઓને ૨૧ દિવસના નિવાસી કાર્યક્રમમાં ટુરિસ્ટ ગાઈડિંગ અને હોસપિટાલિટી ક્ષેત્રની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની દેખરેખ હેઠળ યોજાયો હતો.

તાલીમના મુખ્ય તત્વો:

  • વર્ગખંડ તાલીમ:
    તાલીમાર્થીઓને કમ્યુનિકેશન સ્કિલ્સ, પ્રોફેશનલ વર્તણૂંક, ઇતિહાસ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા વિષયોની વિગતો આપવામાં આવી.

  • ફિલ્ડ વિઝીટ:
    જૂનાગઢના મુખ્ય પ્રવાસન સ્થળો જેવી કે રોપ-વે, ઉપરકોટ, બાવા પ્યારાની ગુફાઓ, અશોકનો શિલાલેખ, સાસણ ગીર, દેવળિયા સફારી, સોમનાથ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની માર્ગદર્શન માટે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.

ટ્રેનિંગ દરમિયાન વિદ્યાર્થીઓને સ્થાનિક હોટેલ્સ, રિસોર્ટ્સ, આશ્રમો અને અન્ય ટુરિઝમને લગતી સેવાઓની કામગીરીની પણ સીધી માહિતી મળી.

ટ્રેનિંગનું સફળ સંચાલન મયુર ધોળકિયાની મહેનતથી શક્ય બન્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ યુવાઓ માટે ટુરિઝમ ક્ષેત્રમાં એક સારો વ્યવસાયિક અવસર બની રહેશે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.”

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.