જૂનાગઢમાં દાતાર ઉર્ષ તહેવાર: ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા ખાસ નિયંત્રણો.

જૂનાગઢ શહેરમાં દર વર્ષે ભક્તિભાવ સાથે ઉજવાતો દાતાર ઉર્ષ તહેવાર આ વર્ષે તા.૨ સપ્ટેમ્બરથી તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ઉજવાશે. ઉપલા અને નીચલા દાતાર ખાતે યોજાનારા આ તહેવારમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દાતાર ઉર્ષ મેળાની સાથે ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે પરંપરાગત ચંદન વિધિ, મહેંદી રસમ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. વિલિંગડન ડેમથી ઉપલા દાતાર સુધીનો વિસ્તાર પ્રતિબંધિત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ તા.૨ સપ્ટેમ્બર ૦૦/૦૦ કલાકથી તા.૬ સપ્ટેમ્બર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.

જે ભાવિકો ઉપલા દાતાર દર્શન કરવા જશે તેમને ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી પરમિટ લેવી ફરજિયાત રહેશે. પરમિટમાં જણાવેલ તારીખો અને કલાકો દરમિયાન જ ભાવિકોને દર્શન કરી ફરી નીચે ઉતરી આવવું રહેશે.

સરકારી કર્મચારી, અધિકારીઓ તેમજ બંદોબસ્તમાં નિયુક્ત પોલીસ કર્મચારીઓને આ નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે. આ અંગેની સત્તાવાર માહિતી એલઆઈબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તહેવાર દરમિયાન સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય સહકાર આપે અને કાયદો-નિયમોનું પાલન કરે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ