જેતપુર તાલુકાના દેવડી ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારતા ગામના લોકો.

જેતપુર

જેતપુર તાલુકાથી માત્ર ત્રણ કિમીના અંતરે આવેલ ભાદર નદીના કાંઠે વસેલ દેરડી ગામ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ગામમાં ચાર દિવસે ભાદર ડેમનું પાણી ગામના કુવાના દૂષિત પાણી સાથે ભેળવી વિતરણ કરવામાં આવે છે. આ પાણીથી સ્થાનિકો પેટના દુખાવા તેમજ પાણીજન્ય રોગોનો શિકાર બન્યા છે. ગામવાસીઓ પીવા માટે બે કિમી દૂર નર્મદાના એર વાલ્વમાંથી છલીને જતું પાણી ભરવા જવું પડતું હોય ગામવાસીઓની એક જ માંગ કરી રહ્યા છે અમોને ભાદર ડેમનું કે નર્મદાનું મીઠું પાણી આપો.

સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળ તો પહોંચાડ્યા પણ તે નળમાં પાણી આવે છે કે નહીં તે ક્યારેય જોયું નહિ હોય. આવું જ પાણીથી વંચિત એક ગામ એટલે જેતપુર તાલુકાનું દેરડી ગામ. દેરડી ગામ ૩૫૦૦ની વસ્તી ધરાવતું ભાદર નદી કાંઠે વસેલ ગામ છે. દેરડી ગામ જેતપુરથી માત્ર ત્રણ કિમીના અંતરે જ આવેલ હોવા છતાં પાયાની જરૂરીયાત એવુ પાણીથી સુવિધા બાબતે ખૂબ મોટું અંતર છે. હાલ સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૫૦ ,ટકા જેટલો વરસાદ પડ્યો છતાંય દેરડી ગામ પીવાના પાણી વગર ટળવળી રહ્યું છે.

ગામને અમરનગર જૂથ યોજનામાં આવતું ભાદર ડેમના પાણી સાથે ગામમાં આવેલ કુવાના પાણી બંને પાણીને એકઠું કરી ચાર દિવસે ૪૫ મિનીટ જેટલો સમય વિતરણ કરવામાં આવે છે. જેમાં ગામમાં ઘણા ઘરો સુધી તો પાણી પહોંચતું પણ નથી. અને સૌથી મોટી સમસ્યા તો ગામમાં આવેલ કુવાના પાણીની છે ગામમાં રહેતા શિલ્પાબેન બારૈયા જણાવે છે કે કુવાનું પાણી ભાદર ડેમના પાણી સાથે ભેળવવામાં આવતું હોવાથી ભાદરનું સારું મીઠું પાણી પણ દૂષિત થઈ જાય છે. ગામના કુવાની વાત કરતા જયાબેન મકવાણાએ જણાવેલ કે, કુવાના પાણી દૂષિત પાણી છે તેં પાણીને ભાદરના પાણીને પણ દૂષિત કરી નાખે છે અને પાણીથી પેટના દુખાવા થવા ચામડીમાં ખંજવાળ આવવી તેમજ પાણીજન્ય રોગો થાય છે. જ્યારે દક્ષાબેન રાઠોડે જણાવેલ કે, આ પાણીથી ચા નથી બનતી કે નથી બનતી રસોઈ કેમ કે પાણીથી કોઈ શાક ચડતા જ નથી.

જેથી સ્થાનિક મહિલાઓને મીઠા પાણી માટે ગામથી બે કિમી દૂર નર્મદાની પાણીની લાઈનનો એર વાલ્વ આવેલ છે તે એર વાલ્વમાંથી ઉપરથી પાણી છલીને નીચે પડે છે ત્યાં ગામવાસીઓએ પ્લાસ્ટિકની નળી રાખી તેમાંથી પીવાનું પાણી ભરે છે. પરંતુ તે એર વાલ્વ ગામથી દૂર હોવાથી મહિલાઓ સાંજે કામ ઉપરથી આવીને માંડ એકાદ બેડું જેટલું પાણી ભરી શકે છે. અને મુખ્ય રોડ પરથી પાણી ભરવા જવું પડતું હોય ત્યાં અકસ્માતનો ભય પણ રહેલો છે. જેથી ગામને કોઈ પણ ભોગે નર્મદાનું કે ભાદર ડેમનું મીઠું પાણી આપવામાં આવે તેવી મહિલાઓ મંગ કરી રહી છે.

ગામના આગેવાન મહેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે, ગામના કુવાનું પાણી દૂષિત પાણી છે ચાર વર્ષ પૂર્વે જીપીસીબીની દ્વારા કુવાના પાણીનું પરીક્ષણ કર્યું ત્યારે તે પાણી પીવા લાયક ન હોવાનો રીપોર્ટ આવેલ હતો. જેથી કુવાના પાણી સાથે ભાદર ડેમનું પાણી ભેળવવાથી ભાદરનું પાણી પણ દૂષિત થઈ જાય છે અને આવા પાણી વિતરણથી ગામમાં બીમારી રોગ ફેલાય છે.

જ્યારે આ અંગે ગામના સરપંચ પ્રવીણભાઈ તારપરાને પૂછતાં તેઓએ જણાવેલ કે, અમારા ગામને અમરનગર જૂથ યોજનામાંથી ભાદર ડેમનું પાણી મળે છે તે પાણી ગામને પૂરૂ પડતું ન હોય ગામમાં આવેલ કુવાના પાણી સાથે ભેળવી ચાર દિવસે વિતરણ કરીએ છીએ. પરંતુ બે મહિના પૂર્વે ભાદર નદીમાં પુર આવતા અમારા ગામને પાણીની લાઇન તેમાં તણાઈ ગઈ હતી એટલે છેલ્લા બે મહિનાથી તો ગામને ફક્ત કુવાનું પાણી જ વિતરણ કરવામાં આવે છે તેના કારણે ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે અને આ અંગે પાણી પુરવઠા બોર્ડની કચેરીને રજુઆત પણ કરી છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરિયાએ જણાવેલ કે તેઓને દેરડી ગામની પાણીની સમસ્યા અંગે જાણ નથી. પરંતુ ચાર દિવસે પાણી મળતું હશે તો ગામને એકાંતરે પાણી મળે તે માટે બનતી તમામ કામગીરી કરવામાં આવશે.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)