જેતપુર, તા. 15 એપ્રિલ, 2025:
જેટપુરથી ધોરાજી તરફ જતા નેશનલ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને પેઢલા, મંડલીકપુર, મોટા ગુંડાળા અને ફરેણી જેવા ગામોના માર્ગો પર દૃશ્યમાનતા (વિઝિબિલીટી) ખૂબ ઓછી જોવા મળી.
ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને ફરજિયાત રીતે વાહનનાં હેડલાઇટ ચાલુ રાખવા પડ્યા હતા, જેથી અકસ્માતનો ખતરો ટાળી શકાય. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધુમ્મસ એટલું ઘન હતું કે 10-15 ફૂટથી વધુ દૃશ્યમાનતા ન હતી.
સવારના સમયગાળામાં ઠંડી અને ધુમ્મસ અનુભવાતા લોકોએ એકજ દિવસમાં મિશ્ર ઋતુનો અનુભવ કર્યો. તો બપોરના સમયે તીવ્ર ગરમીએ લોકોની હાલત નાજુક બનાવી દીધી. આ અપ્રતિમ હવામાન પરિવર્તનને લઈને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું માહોલ જોવા મળ્યો છે.
ખાસ કરીને તલ, મગફળી અને સોયાબીન જેવા પાક પર આ મિશ્ર ઋતુ અસર કરી શકે છે. આ કારણે ખેડૂતો પોતાના પાક માટે નુકસાનીની દહેશત અનુભવી રહ્યાં છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આવનારા કેટલાક દિવસો સુધી આવા પ્રકારના મિશ્ર હવામાનનો સામનો થઈ શકે છે, તેથી જનતા અને વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની અપિલ કરવામાં આવી છે.
અહેવાલ: વિમલ સોંદરવા, જેતપુર