જેતપુર
જેતપુરના નવાગઢ કેનાલ રોડ ઉપર આવેલા એક કારખાનામાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું રેકેટ ઝડપી પાડયું હતું. આ કારકાનામાં યુપીના બે શખ્સો અને જેતપુરનો એક મજુર ઝડપાયા હતાં. જેની પુછપરછમાં સુપેડીના પટેલ શખ્સે આ કારખાનું શરૂ કર્યુ હોવાનું અને બે મહિનાથી ગેરકાયદેસર ફટાકડા બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેતપુરના નવાગઢ પાસે કેનાલ રોડ ઉપર આવેલ બળદેવ ધારની પાસે શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આ સ્થળે ગેરકાયદેસર રીતે મંજુરી વગર કે લાયસન્સ વગર ફટાકડા બનાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યુ હતું. ગ્રામ્ય એસઓજીના દરોડામાં જેતપુર નવાગઢ ચોક પાસે રહેતો સાહિલ મુકેશ રામોલિયા, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના દાતેલી ગામના શ્યામુ હાકિમસિંહ કુશવાહ, યુપીના નગલા લીલાધરના દેવેન્દ્ર અરવિંદ માથુરની ધરપકડ કરવામાં આવી હતી.
કારખાનામાંથી ફટાકડા બનાવવાનું રો મટીરીયલ સહિત રૂા. ૩૬૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન આ કારખાનાનો માલીક સુપેડીનો જિજ્ઞેશ પરસોતમ વિરમગામા હોવાનું ખુલ્યું હતું. આ ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટ્રીમાં સુતળી બોમ તેમજ બીડી બોમ સહિતના ફટાકડાઓ બનાવવામાં આવતા હતા. કોઈ પણ જાતની મંજુરી વગર છેલ્લા બે મહિનાથી જિજ્ઞેશે આ કારખાનું શરૂ કર્યું હતું. યુપીથી શ્યામુ અને દેવેન્દ્રને ખાસ ફટાકડા બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતાં. જિજ્ઞેશ હાલ ફરાર હોય જેની ધરપકડ બાદ આ ગેરકાયદેસર ફટાકડા બનાવવા માટેનું રો મટીરીયલ ક્યાંથી લાવ્યો તે સહિતની બાબતો ઉપર પોલીસ તપાસ કરશે
અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)