જેતપુરમાં પૈસાની ઉઘરાણી કરી શખ્સે મહિલાને સોડાની બોટલો ઝીકી દીધી

જેતપુર

જેતપુરમાં રૂપિયાની માંગણી કરી મહિલા પર હુમલો કરાતા જેતપુર સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. મળતી માહિતી મુજબ જેતપુરના ગોંડલ દરવાજા પાસે રહેતા રમાબેન વિજયભાઈ માકડીયા (ઉ.વ.૪૫)એ સાજીદ ઉર્ફે સાજલા શેખ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું. મારે સંતાનમાં ચાર દિકરા છે, મારા પતિ વિજય ડાયાભાઇ માકડીયાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. ગઇકાલે બપોરના આશરે ચારેક વાગ્યાના વખતે હું અમારા વિસ્તારમાં આવેલ મનિષભાઈ માણંદભાઈ પરમારની દુકાને કરિયાણું લેવા માટે ગયેલ ત્યાં સાજીદ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ પોતાનું એક્ટીવા લઇને આવેલ.સાજલાને હું બે વર્ષથી ઓળખતી હોય. જેણે મને કહેલ કે, તારે મારા રૂપિયા ક્યારે દેવાના? જેથી મેં તેમને કહેલ કે મારે કોઈ રૂપિયા આપવાના નથી. છતા તમે કેમ મારી પાસે રૂપિયા માંગો છો? જેથી સાજલો મને જેમ ફાવે તેમ અપશબ્દો કહેવા લાગ્યો. તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને ધક્કો મારી દિધેલ. દુકાનની બહાર પડેલ ખાલી સોડાની કાચની બોટલ લઈ મને કપાળના ભાગે મારી દિધેલ.મને માથામાંથી લોહી નીકળવા લાગતા સાજીદ ઉર્ફે સાજલો ત્યાંથી ભાગી ગયેલ. અમે જેતપુર સરકારી હોસ્પિટલ જતા હતા ત્યાં ફરીવાર આ સાજલો ખત્રી સમાજની વાડી પાસે આવી મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ. અમારા પરીવારજનો ભેગા થઈ જતા આ સાજીદ ઉર્ફે સાજલો ત્યાંથી ભાગી ગયેલ.જેતપુર સરકારી હોસ્પિટલે ડોક્ટરે મને કપાળના ભાગે બે ટાકા આવેલનું જણાવેલ છે. હોસ્પિટલમાંથી રજા આપતા જેતપુર સિટી પોલીસ મથકે બનાવની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)