ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત જ્યારે કુલ ૧૭ વ્યક્તિઓને ઇજા.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહયો છે,મોટાભાગે કોઇ દિવસ અકસ્માત વિનાનો જતો નહિ હોય ! ગઇકાલે અને આજે તાલુકામાં બે અલગઅલગ સ્થળોએ થયેલ અકસ્માતોમાં એકનું મોત થયું હતું જ્યારે કુલ મળીને ૧૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની એક ઘટનામાં ગોવાલી ગામે રહેતા હર્ષદભાઇ બાલુભાઈ પરમાર રાતના સાડા આઠ વાગ્યાના સમયે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા. તેઓ ગોવાલી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઇડમાં ચાલતા જઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન ગોવાલી ગામનો રાકેશ અર્જુનભાઇ વસાવા તેનું એક્ટિવા સ્કુટર લઇને આવતા ચાલતા જતા હર્ષદભાઇ સાથે એક્ટિવા ગાડી અથડાઇ હતી. આ અકસ્માતમાં હર્ષદભાઇ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

ગોવાલી ગામે સ્કુટર ચાલકે ચાલતા જતા ઇસમને અડફેટમાં લીધો જ્યારે ખડોલી નજીક લક્ઝરી બસ અને ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત ૧૬ ને ઇજા

ઝઘડિયા પોલીસે એક્ટિવા ગાડીના ચાલક રાકેશ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની બીજી ઘટનામાં આજરોજ ઝઘડિયા રાજપારડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર નવા અવિધા-ખડોલી નજીક રોંગ સાઇડે આવતી એક લક્ઝરી બસ એક ટેમ્પો સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલ ટેમ્પો ચાલક ૫૫ વર્ષીય પ્રવિણભાઇ પરસોત્તમભાઇ પરમાર રહે.ગામ શુકલતીર્થ જિ.ભરૂચનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ૧૬ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવારની જરૂરવાળા ઇજાગ્રસ્તોને ભરૂચ લઇ જવાયા હતા. આ લક્ઝરી બસ બોરોસિલ કંપનીમાં નોકરી કરતા ચાલીસ જેટલા લોકોને લઇને જઇ રહી હતી. અકસ્માતમાં લક્ઝરી બસના ૧૫ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા,જ્યારે ટેમ્પોમાં બેઠેલ એક ઇસમને ઇજા થઇ હતી અને ટેમ્પો ચાલકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે લક્ઝરી બસના ચાલક વિશાલ જીતેન્દ્રભાઇ મકવાણા રહે.ગામ રૂંઢ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)