ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પોલીસ પકડથી બચાવવા માટે તેના પરિવારજનો અને નજીકના ઇસમે મળી ઠગાઇથી સીમકાર્ડ મેળવી પૂરતી સહાય કર્યાનું ગુનાહિત કૌભાંડ ખુલ્લું પડ્યું છે. ગુજસીટોકના આરોપી સાથે સંકળાયેલા સમગ્ર ગુનાની તપાસ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ગુન્હાની ગંભીરતાને જોતા, જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ગુજસીટોક સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ઠગાઇથી મેળવેલ સીમકાર્ડ્સનો દુરુપયોગ
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે મોટું કૌભાંડ પકડ્યું છે. આરોપી ધીરેન કારીયાના પુત્ર પર્મ ધીરેન કારીયા અને પત્ની નિશાબેન કારીયાએ વડોદરાના તેમના કુટુંબીય સંદીપ ઉર્ફે બંટી અઢિયાના મારફતે બીજા રાજ્યોમાંથી નકલી ઓળખ પર સીમકાર્ડ મેળવ્યા હતા.
આ સીમકાર્ડમાંથી કેટલીક સીમકાર્ડ્સ વોટસએપ નંબર ચાલુ કરવા માટે તથા ગુજસીટોક કાયદાના ભાગરૂપે ગુન્હાઓમાં વપરાતી હતી. કુલ ૬ જેટલી સીમકાર્ડનો આ રીતે દુરુપયોગ થયો હતો. આરોપી ધીરેન કારીયાને જે સાબિત રૂપે પોલીસ પકડથી બચાવવામાં મદદરૂપ બન્યા હતાં.
૧૦ થી વધુ રાજ્યોથી જોડાયેલ છે રેકેટ
આ આરોપીઓ સાથે મળીને અન્ય રાજ્યોના ઈસમો ભરથ અંબુલા (આંધ્ર પ્રદેશ), ચંદનકુમાર મોહનંતી (ઓડિશા) સહિત અનેક લોકોનો સંપર્ક હતો. તેમણે આરોપી ભરત શંકરભાઈ પરમાર (અમીપુરા, પાટણ) પાસેથી કુલ ૧૦૦૧ એક્ટીવેટેડ સીમકાર્ડ્સ લીધા હતા, જે નકલી ઓળખ પર તૈયાર કરાયેલ હતાં.
કાયદેસર કાર્યવાહી અને કલમો હેઠળ ગુનો દાખલ
આ સમગ્ર કેસમાં જુનાગઢ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૫૪ તથા માહિતી ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ ની કલમ ૬(સી) અને ટેલિકોમ્યુનિકેશન અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૪૨(૩)(સી) હેઠળ ગુનો નંબર ૨૭૨૮૨ દાખલ કરવામાં આવ્યો છે.
હાલ આ કેસની વધુ તપાસ SOG (Special Operation Group)ને સોંપવામાં આવી છે. અને રાજ્યવ્યાપી બોગસ સીમકાર્ડ રેકેટ ઝડપાશે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે.
અટક કરાયેલ આરોપીઓ:
ભરતભાઈ શંકરભાઈ પરમાર (ઉ.વ. ૩૮), ધંધો: વેપાર, રહે. અમીપુરા, તા. રાધનપુર, જી. પાટણ
પર્મ ધીરેન કારીયા, રહે. રાયજીબાગ, નોબલ પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ, જૂનાગઢ
અટકથી બચી રહેલા આરોપીઓ:
નિશાબેન ધીરેન કારીયા
સંદીપ ઉર્ફે બંટી અઢિયા (મોબાઇલ વેચાણકાર, વડોદરા)
ભરથ અંબુલા (વિજયવાડા, આંધ્રપ્રદેશ)
ચંદનકુમાર મોહનંતી (ઓડિશા)
અદભુત કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ્પેક્ટર જે.જે. પટેલ, પો.સબ ઇન્સ્પેક્ટર ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઈ ચાવડા, સાહિલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા વગેરે સ્ટાફે સારી કામગીરી નોંધાવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ