ડભોઇ નગરપાલિકા તરફથી “વેસ્ટમાંથી બેસ્ટ” તરફ એક પગલું – વર્મી કંપોસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન, ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિરીક્ષણ કર્યું.

ડભોઇ નગરને “દર્ભાવતી” બનાવવા માટે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા વિકાસ કાર્યોમાં એક વધુ ઉમેરો થયો છે. શહેરના છેવાડે આવેલા ઢાલનગર વિસ્તારમાં વર્મી કંપોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જાતે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.

આ પ્લાન્ટ માટે “માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન” કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સમગ્ર ડભોઇ શહેરમાંથી દરરોજ થતો ઘરના કચરાને હવે સંભાળવામાં આવશે અને આ પ્લાન્ટમાં ઓટોમેટિક પ્રોસેસ દ્વારા પ્લાસ્ટિક, લોખંડ, ભીનો અને સૂકો કચરો અલગ કરાશે. ખાસ વાત એ છે કે પ્લાસ્ટિકમાંથી દાણા બનાવી રી-યૂઝ લાયક બનાવવામાં આવશે, જ્યારે અન્ય ઓર્ગેનિક કચરામાંથી ખેતી માટે વપરાય તેવી ગુણવત્તાવાળી વર્મી ખાતર તૈયાર થશે.

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે, “ડભોઇ નગરપાલિકા અને સ્થાનિક આગેવાનોના સહયોગથી શહેરના વિકાસ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. આવનારા દિવસોમાં ડભોઇ નવો વિકાસ મોડલ બની રહેશે.”

આ અવસરે પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલભાઈ શાહ (એસડબલ્યુએમ મેનેજર), પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર સમીરભાઈ રાઠોડ, વારી ગુરુના ચેરમેન દક્ષાબેન રબારી સહિત ડભોઇ વેપારી મહાજનના આગેવાનો અને સ્થાનિક વૃદ્ધ નાગરિકોની વિશિષ્ટ હાજરી રહી.

આ પ્લાન્ટ શરૂ થતાં ડભોઇ નગર વધુ સ્વચ્છ બનશે અને એક પ્રેરણાસ્રોતરૂપ શહેર તરીકે ઊભરી આવશે.

રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ