ડભોઇ નગરપાલિકા આગામી ચોમાસા માટે પૂરતી તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. હિરો ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરીને નાદોદી ભાગોળથી વડોદરા ભાગોળ અને વેગાવાડીઓ સુધીના તમામ વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવી છે.
નર્મદા કેનાલની બાજુમાં આવેલ ખુલ્લા વરસાદી કાંસમાં ઝાડી-ઝાખરા, ઘોડા ઘાસ અને બાવળિયા ઉગેલી હતી, જેની સંપૂર્ણ સાફસફાઈ જીસીબી, હિટાચી અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરી કરવામાં આવી છે. આ કાંસો દ્વારા નગર વિસ્તારમાં આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થવો હવે સરળ બનશે.
હાલ કાંસમાંથી કાઢેલ ભીનો કચરો રોડની બાજુમાં એકઠો કરવામાં આવ્યો છે, જેને સુકાયા પછી યોગ્ય જગ્યાએ કાઢી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કામગીરીથી નગરમાં ચોમાસાની મોસમમાં પાણી ભરાવા અને અન્ય મુશ્કેલીઓ ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. નગરના લોકોમાં આ કાર્યને લઈને ખુશી અને પ્રસન્નતા જોવા મળી રહી છે, ખાસ કરીને બહારના સોસાયટી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ અત્યંત રાહતરૂપ સાબિત થશે.