ડભોઇ તાલુકાના અકોટાદર ગામે ભયાનક અકસ્માત સર્જાયો છે, જ્યાં પૂરઝડપે આવી રહેલી ઈકો ગાડી એક વૃદ્ધ પદયાત્રીને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મૃત્યુ થયું છે.
અકોટાદર બસ સ્ટેન્ડ પાસે 60 વર્ષીય ધનસિંહ માનસિંહ ભીલાલા પગપાળા પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન બોડેલી તરફથી વડોદરા દિશામાં જતી જીજે-02-CA-2467 નંબરની ઈકો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી સીધા ધનસિંહભાઈ પર ફરી ગઈ. આ ઘટનામાં તેમના ડાબા પગે કમરથી અલગ થવા જેવી ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ અવસાન થયું હતું.
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ઈકો કાર ઝાડ સાથે જઈ અથડાઈ હતી અને કાર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તરત જ ડભોઇ પોલીસને જાણ કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે ઈકો ચાલક વધુ ઝડપે વાહન હંકારી રહ્યો હતો અને અહંકારભર્યું ચલણ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું. ઘટનાને પગલે અકોટાદર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સ્થળ: અકોટાદર – ડભોઇ તાલુકો
અહેવાલ: વિવેક જોષી – ડભોઇ