ડિંડોલીમાં સુતેલા બે શ્રમિક મિત્રોને રિવર્સ ટ્રકે અડફેટે લીધા, એકનું મોત

ડીંડોલી વિસ્તારમાં ગરમીમાં રાહત મળે તે માટે ખુલ્લા મેદાનમાં ચટાઇ પાથરીને સુતેલા બે શ્રમજીવી મિત્રોને આજે સોમવારે વહેલી સવારે રિવર્સ લેતી ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું .જ્યારે ઇજા પામેલો અન્ય મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સ્મીમેર અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં નવાગામમાં સરસ્વતીનગરમાં રહેતો ૨૬ વર્ષીય ધીરજ લાલચંદ મૌર્ય અને તેનો મિત્ર ૧૯ વર્ષીય પંકજ જેસીંગ કેવટ ( રહે -માનસરોવર આવાસ, આસપાસનગર ગોડાદરા) નાઓ રવિવારે રાતે ગરમીમાં રાહત મળે તે માટે ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે ગુરુદત્ત પોઈન્ટ સામેના ખુલ્લા મેદાનમાં ઝાડી ઝાંખરીમાં ચટાઈ પાથરીને સુઈ ગયા હતા. જોકે આજે સોમવારે વહેલી સવારે બંને મિત્ર મીઠી નિદ્રા માણી રહ્યા હતા. તે સમયે રિવર્સ લેતી ટ્રકના ચાલકે બંને મિત્રોને અડફેટે લાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ધીરજને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પંકજને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાં ટ્રક મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. જયારે બંને મિત્રો મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ અંગે ડીંડોલી પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.