ડૉ.સુભાષ મહિલા કૉલેજ,જૂનાગઢ તથા ગુજરાતીનો અધ્યાપક સંઘના સંયુક્ત ઉપક્રમે ‘વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા’નું આયોજન.

શ્રી ડૉ.સુભાષ મહિલા કૉલેજ,જૂનાગઢ તથા ગુજરાતીનો અધ્યાપક સંઘના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે તા.૧૬-૦૧-૨૦૨૫ને ગુરુવારના રોજ ‘વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કોલેજના વિદ્યાર્થી બહેનો દ્વારા પ્રાર્થના રજુ થઈ ત્યારબાદ કોલેજના આચાર્ય ડૉ.બલરામ ચાવડાએ કોલેજ વતી સહુને આવકારી માનવ જીવન અને સાહિત્યની નિસબતની વાત કરી ગુજરાતી વિષયના અધ્યાપકસંઘની વિદ્યાકીય પ્રવૃત્તિ બદલ ધન્યવાદ આપ્યા હતા.


મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય બાદ સંઘના આગામી પ્રમુખ ડૉ.જે.એમ. ચન્દ્ર્વાડીયાએ ગુજરાતી અધ્યાપક સંઘની પ્રવૃતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્ય કુલગુરુ શ્રી ડોલરરાય માંકડ અને અધ્યાપક મિત્રોના વૈચારિક અભિગમથી ઈ.સ. ૧૯૪૭ માં સ્થપાયેલા ‘ગુજરાતીનો અધ્યાપક સંઘે’ સાડા સાત દાયકાની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યયન અને અધ્યાપન સદાય ઓજસ્વી રહે એવા શુભાશયથી આ સંઘ કાર્યરત રહ્યો છે અને રહેશે. આપણા ઉતમોત્તમ સર્જકો તથા અધ્યાપકોએ સંઘના પ્રમુખ, મંત્રી પદે રહીને માર્ગદર્શન આપ્યું છે. ત્યારબાદ બરવાળા કૉલેજના ડો.તીર્થંકર રોહ્ડીયાએ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ’ વિષે, અને પોરબંદર ગુરુકુળ મહિલા કૉલેજના પ્રો. ડૉ. ભાર્ગવ ભટ્ટે ‘ગુજરાતી ખંડકાવ્યો ’ વિષે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.

સંઘના વર્તમાન પ્રમુખ ડો.રમેશ મહેતાએ વક્તાઓ અને કોલેજની શૈક્ષણિક પ્રવૃતિને બિરદાવી કહ્યું હતુ કે ‘ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન અને અધ્યાપન વધુને વધુ તેજસ્વી તેમજ પરિણામ- ગામી બનાવવાના હેતુથી રચાયેલ ગુજરાતીનો અધ્યાપકસંઘ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એમ બંનેની સજ્જતા અને નિસ્બત માટે સક્રિય છે. એટલે એ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને સાંકળીને જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરે છે.


કાર્યક્રમના અંતે આભારવિધિ કોલેજ વિદ્યાર્થીની પ્રો. રાબડિયાએ કરી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કૌશિક પંડ્યાએ કર્યું હતું.આ અવસરને સફળ બનાવવામાં વિદ્યાર્થી બહેનોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.કોલેજની આવી શૈક્ષણિક પ્રવૃતિને સંસ્થા પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ બિરદાવી હતી. આ વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં નરસિંહ મહેતા યુનિ.સંલગ્ન કોલેજના ગુજરાતી વિષયના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)