જૂનાગઢ
ગુજરાતભર માં તમામ ઓફિસ,જાહેર સ્થળો, બજારોમાં સ્વચ્છતા અભિયાન ના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આપણે ભાવિ પેઢીને વારસામાં કચરો નહીં પણ સ્વચ્છતાના પાઠ શીખવવાના છે.
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના સૂત્ર અનુસાર એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજ દ્વારા સ્વચ્છ ભારત દિવસનું અવલોકન કરાવવા માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ કેટલાક સવિશેષ કાર્યક્રમ હાથ ધરેલા છે. દત્તક લીધેલા ગામોની સ્વચ્છતા કરવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહના નિકાલની વાત સમજાવી, તથા શહેરના જાહેર સ્થળો અને હેરિટેજ સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું છે. આ અભિયાન હેઠળ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડો.બીપીનભાઈ પટેલ અને પ્રાધ્યાપક ચેતનાબેન ચુડાસમાની રાહબરી હેઠળ આ અભિયાનનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જે કંઈ સેવાકીય કાર્યો થાય છે તેનું ફળ સમસ્ત જનતા ભોગવે છે. એન.એસ.એસ.ના આ પ્રકારના કાર્યોથી વિદ્યાર્થીમાં શ્રમ પ્રત્યેની સુગ ઘટે, કોઈક જાતનો છોછ ઓછો થાય. પોતાના મનમાં સેવાની વૃતિ જાગે અને તે ભવિષ્યમાં સમાજની વધુને વધુ સેવા કરતો થાય છે.
હવે પછી ક્રમશઃ એક પછી એક નાના મોટા વિસ્તારોમાં આ અભિયાનને ફેલાવાશે. આજે રાયજીનગરમાં સ્વચ્છતા કાર્યક્રમમાં જાણીતા કવિ સર્જક શ્રી ડો.ઉર્વિશ વસાવડાએ હાજર રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કેમેસ્ટ્રી ભવનના અધ્યક્ષશ્રી બાપોદરા સાહેબે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
વિદ્યાર્થી બહેનોના આ સેવા કાર્યને બિરદાવવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી ચેતનભાઇ ત્રિવેદીએ પણ ખાસ હાજર રહી સૌનો ઉત્સાહ વધારી પ્રેરણાત્મક વાતો મૂકી હતી. કોલેજના આચાર્યશ્રી બલરામ ચાવડાએ વિદ્યાર્થીઓને કેટલીક રસદાયક પ્રેરણાદાયક જીવનલક્ષી સૂત્રો મૂકી પ્રોત્સાહિત કર્યા હતા. જેટલી આપણે સ્વચ્છતા જાળવશું એનો લાભ આપણને પોતાને જ થવાનો છે,એ વાત આપણે બહુ જાણતા હોતાં નથી.
આ કાર્યક્રમમાં પ્રા.પ્રીતિબેન પ્રા. કોકીલાબેન પરમાર, પ્રા.મારું સાહેબ પ્રા. દિવ્યેશ ઢોલા, ડૉ. પ્રકાશભાઈ મહેતા,ડૉ.પ્રદ્યુમ્ન ખાચર, ડૉ.મહેશ કિકાણી, પ્રા.અશોકભાઈ રાબડીયા. પ્રો.ભરત પટેલ વગેરેએ જોડાઈને સૌની સાથે રહ્યા હતા. આ સેવાકીય અભિયાનના અંતે તમામ સ્વયંમ સેવકોએ સમુહમાં અલ્પાહાર કરી છુટા પડયા ત્યારે સહુના મુખ પર પર આજ સેવાકીય પ્રવૃત્તિ કર્યાનો સંતોષ વર્તાતો હતો. આવા સેવાકીય કાર્યો કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને બિરદાવ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)