તાલાલા પોલીસએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું: ગુમ થયેલા કિશોરને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું!

“તાલાલા તાલુકાના સુરવા ગામમાંથી ગુમ થયેલા 16 વર્ષીય કિશોર આયુશ યુનુસભાઈ બ્લોચને શોધી કાઢવાનું તાલાલા પોલીસ દળે સાબિત કરી બતાવ્યું કે તંત્ર યોગ્ય નિષ્ઠા અને માનવતાથી કાર્ય કરે તો દરેક મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે.”

11 એપ્રિલે બપોરે પશુઓના ચારા માટે નીકળેલો આ કિશોર ઘેર પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી. આખોલવાડી આઉટપોસ્ટ ખાતે ફરિયાદ નોંધાતા જ પોલીસે ઘટના પ્રત્યે ગંભીરતાથી પગલાં લેતાં, ટેકનિકલ અનુસંધાન અને હ્યૂમન ઇન્ટેલિજન્સની મદદથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી.

હજુ સુરવા ગામ નજીક સરસ્વતી નદીના કાંઠે આવેલી ઝાંખી ઝાડીઓમાં બેભાન હાલતમાં યુવક મળી આવ્યો હતો. તાત્કાલિક અસરથી પોલીસકર્મીઓએ યુવકને તલાલા સરકારી દવાખાને ખસેડી મેડિકલ સારવાર આપવાની વ્યવસ્થા કરી. યુવક ભાનમાં આવતા જણાવ્યું કે ચારો લેવા જતા અચાનક ચક્કર આવતાં તે બેભાન થઈ ગયો હતો.

આ સમગ્ર ઘટનામાં IGP નિલેશ જાજડીયા, એસપી મનોહરસિંહ જાડેજા, અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર A.P. પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે દ્રઢ સેવા ભાવનાથી કાર્ય કરતાં માત્ર એક પરિવારને જ નહીં, પણ સમગ્ર સમાજને માનવતાનું જીવતું ઉદાહરણ આપી દીધું.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ