પાલનપુર, 05 માર્ચ 2025
થરાદના ભાપી ગામે પૂજ્યશ્રી માનપુરીજી મહારાજના પાવન પગલાં પધરામણી તથા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જાની અસર
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આધ્યાત્મિક ઉર્જા અને સંત-મહંતોના આશીર્વાદથી થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિ શાશ્વત છે, અને આ પવિત્ર ધરતી પર સંતો દ્વારા કરાયેલા કાર્યોના પ્રભાવને લોકો આજે પણ અનુભવતા રહે છે.
વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે થરાદ પંથક માટે સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. નવો જિલ્લો હોય કે પછી અનેકવિધ વિકાસના કાર્યો, થરાદને આગળ લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે પાણી સહિતની સુવિધાઓની સુચારુ વ્યવસ્થા કરાઈ છે, જેનાથી ખેડૂતોને લાભ થશે.
ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્યતા
આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન પૂજન-આરતી, મંદિર વાસ્તુ, હોમ-કર્મ, પગલાં પધરામણી, હવન, પ્રાણ પ્રતિષ્ઠા, સંતોના પ્રવચન, ભવ્ય લોક ડાયરો અને દિવ્ય ધર્મસભા જેવી વિધિઓ યોજાઈ હતી. ગુજરાતના વિવિધ મંડળોના સંતો પણ આ પવિત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા.
📍 લોકેશન: થરાદ, ભાપી | અહેવાલ: માહિતી બ્યુરો