દુદાણા પ્રાથમિક શાળામાં ડિઝાસ્ટર માટે ઉપયોગી સાધનોનું નિદર્શન યોજાયું.

ગીર સોમનાથ જિલ્લામાં આપાતકાલીન સ્થિતિ દરમિયાન લોકોને બચાવની યોગ્ય તૈયારી માટે નવી પહેલ કરવામાં આવી છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે આવેલી દુદાણા પ્રાથમિક શાળામાં આજ રોજ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટરમાં ઉપયોગી સાધનોનું વિશેષ નિદર્શન યોજાયું હતું.

એસ.ડી.આર.એફ ટીમના પ્લાટૂન કમાન્ડર રોહનકુમાર બી. પટેલના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે જીવરક્ષક સાધનો અને બચાવ પ્રવૃત્તિઓને લઈ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને જનરેટર, વૉકીટોકી, લાઇફ બોટ, હાઇડ્રોલિક કટર્સ સહિતના સાધનો બતાવવામાં આવ્યા અને તેમની કામગીરી સમજાવવામાં આવી.

બાળકોમાં આપત્તિ વખતે કેવી રીતે પોતાનો બચાવ કરવો અને પ્રાથમિક સ્તરે શું પગલાં લેવા, તે બાબતે પણ માહિતી આપવામાં આવી. એસ.ડી.આર.એફના સભ્યો દ્વારા વિવિધ ડેમો દ્વારા બતાવાયું કે કુદરતી આપત્તિ સમયે લોકોની સુરક્ષા માટે કઈ રીતે તાત્કાલિક કામગીરી થાય છે.

કાર્યક્રમમાં કોડીનાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, દુદાણા તલાટી કમ મંત્રી, શાળાના આચાર્ય, ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનો અને શિક્ષકો દ્વારા આ રીતે બાળકોમાં આપત્તિ સંબંધી જાગૃતિ વધારતી પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ