વડોદરા: વર્ષ 2017માં વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને અન્ય ગંભીર ગુનાના આરોપી વિજયસિંહ ધુડસિંહ પઢીયાર (રહે. વરૂણેશ્વર મંદિરની સામે, વરણામા, જી. વડોદરા)ને પાલનપુર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.
પેરોલ મળ્યા બાદ ફરાર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા 26 ઓગસ્ટ 2023થી 1 સપ્ટેમ્બર 2023 સુધીના 7 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવી હતી. 25 ઓગસ્ટ 2023ના રોજ તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ 2 સપ્ટેમ્બર 2023ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો નહીં અને ફરાર થઈ ગયો.
ફરાર રહેવા માટે અલગ-અલગ રાજ્યોમાં છૂપાતો: દોઢ વર્ષ સુધી આરોપી સતત રાજ્ય અને જિલ્લામાં સ્થળાંતર કરતો રહ્યો. પોલીસના સંશોધન મુજબ તે મહારાષ્ટ્રમાં છૂટક ડ્રાઈવિંગનું કામ કરી ગુપ્ત જીવન જીવી રહ્યો હતો. પોલીસની ધરપકડ ટાળી તે અલગ-અલગ જગ્યાએ વસવાટ કરતો રહ્યો હતો.
પોલીસે કરી સપાટો અને ધરપકડ: વડોદરા જિલ્લા પેરોલ-ફર્લો સ્કોડને ગુપ્ત માહિતી મળી કે આરોપી હાલમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એરંડી ગામમાં આવ્યો છે. સ્કોડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્યાં પહોંચી તેને એરંડી ગામની સીમથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કાયદેસર કાર્યવાહી માટે જેલમાં પરત મોકલી આપ્યો છે.
અહેવાલ: ગુજરાત બ્યુરો.