
દ્વારકા જિલ્લામાં રાત્રિના સમયે ચોંકાવનારી તૈયારી જોવા મળી હતી, જ્યારે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતાં સુરક્ષા દ્રષ્ટિએ ખંભાળિયા, દ્વારકા અને આસપાસના શહેરોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. કલેક્ટરના આદેશને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને શહેરના મુખ્ય રસ્તાઓ, પેટ્રોલ પંપ, જાહેર સ્થળો અને ચોરાહાઓ પર લાઈટો બંધ કરાવવાનું કામ શરૂ કર્યું.
ખંભાળિયા શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે પોલીસની ગાડીઓ સતત પેટ્રોલિંગ પર રહી હતી અને લાઈટો ચાલુ રાખનારા સ્થળોને તરત બંધ કરવા માટે તાકીદ કરાઈ હતી. સલાયા, ભાણવડ સહિતના વિસ્તારોમાં પણ તંત્રએ ઝડપી કાર્યવાહી કરી અને લોકોમાં ભય ન ફેલાય તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી.
પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “હવે તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને કોઇપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે પોલીસ તેમજ તમામ વિભાગો અલર્ટ રાખવામાં આવ્યા છે.”
આ સમગ્ર ઘટનાક્રમમાં તંત્રની ઝડપી કાર્યવાહી અને પોલીસની કામગીરીને લોકોએ પણ સહકાર આપ્યો હતો.
“દ્વારકા જિલ્લામાં હાલત સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. કલેક્ટરના આદેશ અનુસાર બ્લેકઆઉટ અમલમાં મૂકવામાં આવ્યો છે. લોકોએ પણ સહકાર આપ્યો છે અને પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.”
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા