દ્વારકા : રાજ્યમાં વિકાસના નામે ગરીબોના ઝૂંપડાં હટાવ્યા બાદ હવે ધાર્મિક સ્થળોને પણ દબાણ હટાવવાની નોટિસો અપાઈ છે. દ્વારકા જિલ્લામાં 200થી વધુ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર દબાણ હટાવવાની નોટિસો મળી છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હિન્દુત્વના નામે મત મેળવી હવે મંદિરો તોડી રહ્યાં?
ભાજપના સત્તાધીશોએ હિન્દુત્વના નામે મત મેળવી સત્તા મેળવી, પણ હવે મંદિરોને નડતા હોઈ તેવી સ્થિતિ છે. આંતરિયાળ ગામોમાં ધાર્મિક સ્થળોને તોડીને સરકાર શું સાબિત કરવા માગે છે તે લોકોને સમજાતું નથી. સ્થાનિકોનું કહેવું છે કે શહેરોમાં મોંઘી સરકારી જમીન પર ભાજપના નેતાઓના ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઉભા થયા છે, ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી કેમ કરાતી નથી?
કિસાન કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આક્ષેપ કર્યો કે, સરકાર જ કોમી એકતા અને સૌહાર્દભંગ માટે જવાબદાર છે. આ મંદિરો અનેક વર્ષોથી ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક રહ્યા છે.
ધાર્મિક સ્થળો પર જ સરકારનું બુલડોઝર કેમ?
મહત્વની વાત એ છે કે, જ્યાં સરકારને ગેરકાયદેસર દબાણ હટાવવું છે, ત્યાં ભાજપના નેતાઓના ગેરકાયદેસર બાંધકામો અખંડિત ચાલે છે. સરકારી ગ્રાન્ટમાંથી જ મંદિર અને ધાર્મિક સ્થળોની સંસ્કારયાત્રા થઈ છે, તો હવે તેમને ગેરકાયદેસર કેમ ઠેરવવામાં આવે છે?
બેધારી નીતિ – એક તરફ ગ્રાન્ટ, બીજી તરફ તોડફોડ
ગુજરાત સરકારે હાલમાં જ દ્વારકા જિલ્લાના ધાર્મિક સ્થળોના વિકાસ માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. જો ધાર્મિક સ્થળો ગેરકાયદેસર હોય, તો અગાઉ ગ્રાન્ટ શા માટે ફાળવવામાં આવી?
સરકાર સામે લોકોમાં રોષ
આ સમગ્ર મુદ્દા પર સ્થાનિક લોકોએ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે અને માંગણી કરી છે કે, “આંબેડકારી મંદિર, મુસ્લિમ મસ્જિદ, જૈન દેરાસર અને હિંદુ મંદિરોને તોડી પાડવા બદલ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય.”
આ મુદ્દો કઈ દિશામાં જશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
(રિપોર્ટ: ન્યૂઝ ડેસ્ક, ગુજરાત)