ધરમપુર: કપરાડા તાલુકાની મોમતીબેનના ગર્ભાશયમાંથી 3.5 કિગ્રા વજનની વિશાળ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી નવી જીંદગી મળી.

કપરાડા તાલુકાના સુથારપાડા ગામની આદિવાસી ગરીબ મહિલા મોમતીબેન જગાભાઈ કડાલ માટે નવું જીવન મળ્યું છે. તેમના ગર્ભાશયમાંથી 18×14×9.7 સેન્ટીમીટર અને 3.5 કિલોગ્રામ વજનની વિશાળ ગાંઠને ધરમપુરની સંજીવની હોસ્પિટલના નિષ્ણાત ડૉ. સૈસવ પટેલ અને તેમની ટીમે સફળતાપૂર્વક દૂર કરી, મોમતીબેનને લાંબા સમયથી થતી પીડાથી મુક્તિ મળી.

મોમતીબેન ઘણા સમયથી પેટમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તપાસ દરમિયાન સોનોગ્રાફી રિપોર્ટમાં દેખાયું કે ગર્ભાશયમાં અસાધારણ ગાંઠ છે, જે શસ્ત્રક્રિયા માટે અત્યંત જટિલ અને પડકારજનક હતી.

ડૉ. સૈસવ પટેલે જણાવ્યું કે, ગાંઠ પેદા થવાનો મુખ્ય કારણ હોર્મોનલ ફેરફાર છે અને આટલી મોટી ગાંઠ બનાવવામાં અંદાજે 8 થી 10 વર્ષનો સમય લાગ્યો હોઈ શકે છે. તેમની ટીમે 2.5 કલાક સુધી ચાલેલી શસ્ત્રક્રિયામાં ઉત્તમ નિપુણતા અને ધીરજથી 3.5 કિલોગ્રામ વજનની ગાંઠને દૂર કરવા સફળતા મેળવી.

શસ્ત્રક્રિયા બાદ મોમતીબેનની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તેઓ હવે સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહી છે. મોમતીબેનની હિંમત અને ધીરજ પણ આ સફળતાનો મહત્વપૂર્ણ ભાગ બની.

મોમતીબેનના પરિવારજનો અને ગામવાસીઓએ સંજીવની હોસ્પિટલના ડૉ. સૈસવ પટેલ અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.


📌 અહેવાલ : રિપોર્ટ :- સુરેશ પરેરા , ધરમપુર