ધરમપુરના ભરચક વિસ્તારમાં જર્જરિત મકાનનો છતનો ભાગ ધરાશયી, મોટા અકસ્માતથી બચાવ મોટી ઢોલ ડુંગરી ગામે પશુઓ માટે બનાવેલ કોઢારૂનો એક ભાગ તૂટી પડ્યો.

ધરમપુર શહેરના ભરચક વિસ્તારમાં આજે સવારે એક ગંભીર ઘટના ઘટી હતી, જ્યાં મોટા બજાર વિસ્તારમાં આવેલો એક જર્જરિત મકાનનો આગળનો છતનો ભાગ ધરાશયી થઈ ગયો. આ મકાન લક્ષ્મી નારાયણ મંદિર સામે રસ્તાને અડીને આવેલું છે, અને સમગ્ર વિસ્તારમાં વાહનો તેમજ રાહદારીઓની ભારે અવરજવર રહેતી હોય છે.

ઘટનાસ્થળે રોજના રોજ હજારો લોકો પસાર થાય છે, તો સાથે સાથે સોમવારના દિવસે આ વિસ્તાર હાટ બજારના કારણે વધુ જમાવટ અનુભવતો હોય છે. સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ રાહદારી કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી.

જોકે, આ ઘટના ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીને ખુલ્લી પાડે છે. તંત્રએ માત્ર ચેતવણી બોર્ડ લગાવી દેવાંથી પોતાની ફરજ પુરી માની છે, પણ વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થવા છતાં પણ મકાન દૂર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

બીજી તરફ, મોટી ઢોલ ડુંગરી ગામના ગુંદી ફળીયા વિસ્તારમાં, અમ્રતભાઈ વિશ્રામભાઈ પટેલના ઘરે પશુઓ માટે બનાવવામાં આવેલ કોઢારૂનો એક ભાગ તૂટી પડ્યો. અહીં પણ કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી, પણ ઘટનાએ એ સાબિત કર્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા ધાંસલેલા માળખાઓ જીવલેણ સાબિત થઈ શકે છે.

અહેવાલ: સુરેશ પરેરા (ધરમપુર)