ધોરાજી તાલુકાના છ ગામોમાં આવતીકાલે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, સોળ બુથો પર બેલેટ પેપરથી મતદાન યોજાશે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે સામાન્ય પેટા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે તમામ તૈયારીઓને આજે આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ધોરાજી શહેરની નવી સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચ સેન્ટર રાખવામાં આવ્યું હતું, જ્યાંથી મતપેટી, ઈવેન્ટ મટીરિયલ અને મતદાન માટે જરૂરી સ્ટાફને નિવાસી અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે આજે રવાના કરવામાં આવ્યા હતા.

આ પેટા ચૂંટણી ધોરાજી તાલુકાના મોટા વાવડી, સુપેડી, ભુખી, મોટી મારડ, પાટણવાવ અને છત્રાસા – એમ કુલ છ ગામોમાં યોજાઈ રહી છે. આ છ ગામોમાં કુલ 16 મતદાન મથકો ઉપર સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

માહિતી મુજબ દરેક ગામમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા કર્મચારીઓ, ઝોનલ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સહિતનો પૂરતો બંદોબસ્ત તૈનાત કરાયો છે જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સંવેદનશીલ રીતે સંપન્ન થાય.

તંત્રએ ગામજનોને બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીશાસ્ત્રને મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે.

અહેવાલ :- વિમલ સોંદરવા