નવસારી પોલીસ સ્ટેશનમાં એ.સી.બી.ની લાંચ પકડ ઓપરેશન સફળ – બે પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયા

નવસારી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ આજે મોટી સફળતા મેળવતી લાંચ પકડ ઓપરેશન હાથ ધર્યું છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓને રૂપિયા ૪૦,૦૦૦/-ની લાંચ લેતી વખતે રંગેહાથ ઝડપવામાં આવ્યા છે.

ફરીયાદી, જે એક જાગૃત નાગરિક છે, તેમના નામે પ્રોહિબિશનના ગુનામાં કેસ દાખલ હતો. તેઓએ નામદાર કોર્ટે આગોતરા જામીન મેળવી લીધા હતા, આ જામીનને પગલે પકડી જામીન મુક્ત કરવાની કાર્યવાહી માટે ફરીયાદી પાસેથી રૂ.૪૦,૦૦૦/-ની લાંચની માગણી કરવામાં આવી હતી.

આ મામલે આરોપી નં.૧ અમૃતભાઇ મગનભાઇ વસાવા, પો.સ.ઇ., વર્ગ-૩ (ઈ.ચા. જી.આઈ.ડી.સી. પોલીસ ચોકી, નવસારી)એ રકમ માંગીને આરોપી નં.૨ ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડ, અ.પો.કો., વર્ગ-૩ (નવસારી રૂરલ પો.સ્ટે.) ને રકમ લેવા જણાવ્યું હતું.

ફરીયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી ACBનો સંપર્ક કર્યો. ત્યારબાદ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર.સક્સેના અને તેમની ટીમે સુપરવિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રેપની યોજના ઘડી.

તા. ૧૩ મેના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પહેલા માળે આવેલા કમ્પ્યુટર રૂમમાં લાંચના રૂ.૪૦,૦૦૦/- સ્વીકારતા આરોપી નં.૨ પકડાઇ ગયા હતા. આરોપી નં.૧ સ્થળ ઉપર હાજર ન રહ્યો છતાં સમગ્ર ઘટનાક્રમમાં તેમની સંડોવણી સ્પષ્ટ જણાઈ રહી છે.

ACB દ્વારા બંને પોલીસ કર્મચારીઓ સામે લાંચ લેવામાં સહભાગી બની ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.