નવસારી મહાનગરપાલિકાની બેદરકારી! લાખો રૂપિયાના નવા વાહનો ભંગારમાં ફેરવાયા, સમારકામ થયેલા વાહનો પણ એજન્સીમાં બંધક.

નવસારી મહાનગરપાલિકાની બેદરકારી એકવાર ફરીથી જાહેર થઈ છે. તંત્રની નિષ્કાળજી અને દેખરેખના અભાવે નવા નવા સરકારી વાહનો ભંગાર જેવી હાલતમાં ધકેલી દેવામાં આવ્યા છે.

નવસારી પાલિકામાં ઘણા એવા વાહનો છે, જેમના માત્ર નાના સમારકામની જરૂર હતી, પરંતુ સમયસર જાળવણી અને બિલોની ચુકવણી ન થવાને કારણે એ વાહનો આજની તારીખે ખૂણે ધૂળ ખાઈ રહ્યા છે.

જેટલાં વાહનોનું સમારકામ થયું છે, તે પણ ખાનગી એજન્સીઓએ પેમેન્ટ ન મળતાં પરત આપવાનું ઇન્કાર કરી દીધું છે. ત્રણથી વધુ મહિનાથી આવા વાહનો એજન્સીના પાર્કિંગમાં બંધક રાખવામાં આવ્યા છે.

ટાયર પંચર જેવી નાના બિલો પણ ન ચૂકવાતા હાલત એવી છે કે પંચર વાળા પણ હવે પાલિકાથી કંટાળી ગયા છે!

તંત્રની બેદરકારી એટલી છે કે બહારની એજન્સીઓ પાસેથી રોજના 3000 રૂપિયાના ભાડે ટેમ્પો રાખવામાં આવ્યા છે, જ્યારે એજન્સીઓ પણ ड्रાઇવર અને લેબર સાથે રૂ.1000 જેટલો ચાર્જ કરે છે. જો કે પાલિકા પોતાના ટેમ્પોમાં માત્ર ડ્રાઈવર જ આપે છે, લેબર તો પોતાનું હોય છે.

એક તરફ બિનજરૂરી ભાડા ચૂકવાય છે, બીજી તરફ કાર્યક્ષમ વાહનો પડ્યા પાડે છે – એ ફરીથી વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે.

પ્રજાના ટેક્સના પૈસે ખરીદાયેલા વાહનોની આવી બેદરકારી શું સહી શકાય? હવે પ્રશ્ન એ છે કે આ માટે જવાબદાર કોણ? અને શું ક્યારેય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવશે?