નવસારીના વાંસદા વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી : હાઈબ્રિડ ગાંજો અને જોમ્બી ઈ-સિગરેટ સાથે બે શખ્સો ઝડપાયા

નવસારી :
ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નશાની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટોળકી પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયના સૂચન પર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી શ્રી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ મળેલી ખાસ બાતમીના આધારે નવસારીના વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે રેડ પાડી બંને શખ્સોને નશીલા પદાર્થો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ચંદ્રશેખર પનારા અને એસઆઈ શ્રી વી.સી. જાડેજાની ટીમે ચલાવેલી આ કાર્યવાહી દરમિયાન તન્મયકુમાર સુમનભાઈ પટેલ અને મિલનકુમાર દીપકભાઈ ધનગરને ચાપલધરા ગામથી પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હાઈબ્રિડ પ્રકારના ૮૦ ગ્રામ ચોખ્ખા ગાંજાનો જથ્થો, કિંમત રૂ. ૮ લાખ તથા 20 જેટલી જોમ્બી ઈ-સિગરેટ્સ મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે રુ. ૨૦ લાખ થાય છે. સાથે જ કુલ રુ. ૨૮.૧૫ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલ ઈ-સિગરેટ્સમાં Highly Concentrated Tetra Hydro Cannabinol (THC) મળી આવતાં તે વધુ ઘાતક ગણાય છે. આ ઈ-સિગરેટ્સ આજકાલ ‘જોમ્બી વેપ્સ’ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને યુવાનોને લલચાવીને વેચવામાં આવે છે. આરોપીઓએ આ પદાર્થો ચાપલધરાના એક મકાનમાં છુપાવી રાખ્યા હતા.

પોલીસે બન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસાર આવા નશાના જથ્થા પકડવા અને તેમનાં મૂળ સુધી પહોંચવા સ્ટેટ મોનીટરીંગ સેલ સતત સક્રિય છે.

અહેવાલ : આરીફ શેખ, નવસારી