નવી સિવિલના તબીબોએ ઉત્તરપ્રદેશના દર્દીના મોં ના કેન્સરની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી

  1. સુરત:

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે. નવી સિવિલના કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉત્તરપ્રદેશના વતની મુખના કેન્સરથી પીડિત ૪૪ વર્ષીય દર્દીની મોં ની ૬ કલાકની જટિલ સફળ પ્લાસ્ટિક સર્જરી કરી તદ્દન બંધ થઈ ગયેલા મોં ને ફરી ખૂલતું કર્યું છે.

કેન્સર અને પ્લાસ્ટિક સર્જનની ટીમ દ્વારા તદ્દન બંધ થઈ ગયેલા મોં ને ૬ કલાકની જટિલ સર્જરી દ્વારા ખૂલતું કરાયું

સિવિલના પ્લાસ્ટિક સર્જન ડૉ. નિશા કાલરાએ જણાવ્યું કે, ગત એપ્રિલ માસથી મોં ના કેન્સરથી પીડાતા ઉત્તરપ્રદેશના ૪૪ વર્ષીય દર્દી સિવિલના લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરમાં રેડિયેશન લઈ રહ્યા હતા. કેન્સરના કારણે મોઢું ખૂલતું તદ્દન બંધ થઈ ગયું હતું. જેથી તેઓ માત્ર પ્રવાહી ડાયેટ લઈ શકતા હતા. તેમજ કેન્સર મોંઢાથી જડબા સુધી પ્રસરી ગયું હોવાથી સર્જરીની શક્યતા ન જણાતા કેટલાક તબીબોએ સર્જરીની ના પાડી દીધી હતી. ડૉ. નિશા કાલરાએ વધુમાં કહ્યું કે, સિવિલમાં જ કામ કરતાં દર્દીના સગાએ નવી સિવિલમાં થતાં કેન્સર તેમજ પ્લાસ્ટિક સર્જરીના જટિલ ઓપરેશન વિષે દર્દીને જાણ કરી હતી. જેથી તેઓ સારવાર અર્થે સિવિલમાં ચેક અપ માટે આવ્યા હતા. કેન્સર વિભાગના ઓન્કો સર્જન ડૉ.સોહમ પટેલ અને તેમની ટીમ તેમજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાંથી મેં અને મારી ટીમે તેમના કેસને યોગ્ય રીતે સમજી તા.૨૯ જુલાઈએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સતત ૬ કલાકની જટિલ સર્જરી દ્વારા ડૉ. સોહમ અને ટીમે દર્દીના ગાલ, જડબા અને ગળા સુધી પ્રસરેલી કેન્સરની ગાંઠને દૂર કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી માટે મેં અને મારી ટીમે તેમના પગમાંથી જાડી ચામડીને ધમની રક્તવાહિનીઓ મોઢાના ભાગે પુન: પ્રસ્થાપિત કરી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)