“નારી વંદન ઉત્સવ” ત્રીજા દિવસે વેરાવળમાં મહિલા રોજગાર મેળો યોજાયો – દીકરી વધામણા કીટ અને વ્હાલી દીકરી યોજનાના હુકમોનું વિતરણ.

સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહેલા “નારી વંદન ઉત્સવ”ના ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે મહિલા માટે ખાસ રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરીદાતા કંપનીઓ પણ હાજર રહી હતી અને વિવિધ રોજગારલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે દીકરીઓને સમાજ વિકાસમાં ભાગીદારી માટે પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું. જિલ્લા રોજગાર અધિકારી કચેરી દ્વારા અનુબંધન પોર્ટલ અંગે વિગતવાર માહિતી આપી આવી પોર્ટલ દ્વારા મળી રહેલા લાભો અંગે જાણકારી આપી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિએ મહિલાઓ માટે કાર્યરત સખી મંડળોની અસરકારક કામગીરી અંગે ઉદાહરણ સાથે માહિતી આપી. આ મંડળો દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન માટેના માર્ગો બતાવવામાં આવ્યા.

ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કો-ઓર્ડીનેટર આનંદ પરમાર દ્વારા મહિલાઓ માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા “મહિલા સ્વાવલંબન યોજના” અંગે માહિતગાર કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ અંતર્ગત દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને એજ્યુકેશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય મહિલાઓ અને સખી મંડળ પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ગ્રામ વિકાસ એજન્સી સહિત વિવિધ શાખાઓએ સહભાગી બની મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ