ઘરથી વિખૂટી પડેલી ઉત્તરપ્રદેશની મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.
નવસારીઃ રવિવારઃ નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા છેલ્લા પાંચ માસથી ઘરથી ભૂલી પડેલી ઉત્તરપ્રદેશની મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.
આજથી પાંચ માસ પહેલા વલસાડ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૨ વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ, ચીખલી ખાતે આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી હતી. મનોદિવ્યાંગ મહિલાને સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મનોચિકિત્સકના નિદાન હેઠળ સારવાર આપવામા આવી હતી. મનોચિકિત્સકની દવાની અસરના કારણે મહિલાના વર્તનમાં સુધારો થયો હતો. ત્યારબાદ નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના પતિ સાથે સંપર્ક થતા તેમના વતનની માહિતી મળી હતી.
આશ્રિત મહિલા સમોપુરકલા, તા.ઝાફરબાદ, જિ.જોનપુર, ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આશ્રિત મહિલાનો પતિ મહારાષ્ટ્રના પાલઘર ખાતે નોકરી કરતાં હતાં. ત્યાં જવા માટે ઘરેથી નીકળ્યા હતાં પરંતુ મનોદિવ્યાંગ હોવાના કારણે વાપી ખાતે ઉતરી ગયા હતાં. આશ્રિત મહિલાના પતિ સાથે સંપર્ક થતાં, મહિલા પતિ સાથે જવા માંગતી હતી. અને મહિલાનો પતિ પણ તેને સાથે લઇ જવા માંગતો હતો.
નવસારી જિલ્લા કલેકટરશ્રી અને કમિટીના સભ્યોની મંજૂરીથી આશ્રિત મહિલા ડોલી યાદવને તેમના પતિને સોંપવામાં આવી હતી. આશ્રિત મહિલાના પતિએ ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી નારી સંરક્ષણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના આવા ભગીરથ કાર્ય માટે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રશંસા કરી હતી. નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના મેનેજર ભાવિનાકુમારી આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, માનવ તસ્કરીનો ભોગ બનેલી ૧૮ થી ૫૯ ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉસિલિંગ કરી બહેનનું પરિવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે.
અહેવાલ :- આરીફ શેખ (નવસારી)