નોબલ યુનિવર્સિટીને ગર્વ અપાવતી સિદ્ધિ.

જૂનાગઢની નોબલ યુનિવર્સિટીએ ફરી એકવાર ગૌરવ મેળવ્યું છે. નોબલ ફાર્મસી કોલેજની પ્રાધ્યાપિકા ડૉ. શીતલ બુદ્ધદેવએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કુશળતા અને સંશોધન કાર્ય રજૂ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત માટે ગર્વનો વિષય બન્યા છે.

ડૉ. બુદ્ધદેવએ તા. ૨૬ થી ૨૮ મે, ૨૦૨૫ દરમિયાન યોજાયેલી **“ધ ફિફ્થ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બાયોસેન્સર”**માં પોતાનું સંશોધન આધારિત પોસ્ટર પ્રસ્તુત કર્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન મલ્ટી ડિસિપ્લિનરી ડિજિટલ પબ્લિશીંગ ઈન્સ્ટિટ્યૂટ અને બાયોસેન્સિસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ૯ દેશોના ૧૩૧થી વધુ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ભાગ લીધો હતો.

ડૉ. બુદ્ધદેવએ “સ્માર્ટફોન ઇન્ટિગ્રેટેડ બાયોસેન્સિસ ફોર પોર્ટેબલ એન્ડ હાઈ સેન્સિટિવિટી ડાયગ્નોઝ” વિષય પર પોતાનું પોસ્ટર રજૂ કર્યું હતું. આજના ડિજિટલ યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વપરાશ વધી રહ્યો છે, ત્યાં મેડિકલ ક્ષેત્રે તેની મદદથી ઝડપી અને સસ્તી નિદાન વ્યવસ્થા ઉભી થઈ શકે છે, એ મુદ્દા પર તેમણે ખાસ પ્રકાશ પાડ્યો હતો. CRISPR બાયોસેન્સર ટેક્નોલોજી દ્વારા કોઈપણ રોગનું સ્માર્ટફોન સાથે જોડાયેલું ડિજિટલ ચકાસણી સાધન વિકસાવવું સમાજ માટે લાંબા ગાળે મદદરૂપ થશે તે બાબત પર તેઓએ વિગતવાર રજૂઆત કરી હતી.

કોન્ફરન્સમાં રજૂ થયેલા તમામ પોસ્ટરોમાંથી કડક મૂલ્યાંકન બાદ ડૉ. શીતલ બુદ્ધદેવનું પોસ્ટર “બેસ્ટ પોસ્ટર” તરીકે પસંદ કરાયું. આ ઉપલબ્ધી બદલ તેમને બાયોસેન્સર્સ જર્નલ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કન્સલ્ટિંગ એન્ડ સર્વિસિસ અને પામસેન્સ BV દ્વારા ૨૦૦ CHF (લગભગ ₹૨૧,૭૦૦) રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, પ્રોવોસ્ટ ડૉ. એચ.એન. ખેર, તેમજ ફાર્મસી કોલેજના ડીન ડૉ. સંતોષ કીર્તને દ્વારા ડૉ. શીતલ બુદ્ધદેવને હાર્દિક અભિનંદન પાઠવાયા હતા.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જય તલાટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે આ સિદ્ધિ માત્ર નોબલ યુનિવર્સિટી માટે જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત માટે ગૌરવનું કારણ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ