પર્યાવરણ મૈત્રી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન — છેલ્લા 5 વર્ષમાં ₹1.51 કરોડ સહાય, આ વર્ષે 21-27 ઑગસ્ટે 5 સ્થળોએ ‘માટી મૂર્તિ મેળા’

ગાંધીનગર, તા. 6 — પર્યાવરણ સંરક્ષણ અને પી.ઓ.પી. મૂર્તિઓથી થતા નુકસાનને અટકાવવા ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 20 જેટલા ‘માટી મૂર્તિ મેળા’નું સફળ આયોજન કરીને કુલ 1,702 કારીગરોને ₹15.51 કરોડની માટીની મૂર્તિઓ વેચાણની તક આપી છે. આ માટે કારીગરોને કુલ ₹1.51 કરોડથી વધુની સહાય પણ આપવામાં આવી છે.

કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે 21થી 27 ઑગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત શહેરના કુલ 5 સ્થળોએ ‘માટી મૂર્તિ મેળા’ યોજાશે. સંસ્થામાં નોંધાયેલા માટી મૂર્તિકારોને 50% સબસિડી સાથે ‘રેડી ટુ યુઝ’ માટી, મેળામાં વિનામૂલ્યે વેચાણ સ્ટોલ અને પ્રતિદિન ₹1,000 સહાય આપવામાં આવશે.

આ વર્ષે અત્યારસુધીમાં રાજ્યના 390 કારીગરોને અંદાજે 231 ટન ‘રેડી ટુ યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું છે. નાગરિકોમાં માટીની મૂર્તિ પ્રત્યે જાગૃતિ લાવવા હોર્ડિંગ્સ, ટીવી ક્વિકી, રેડિયો ઝિંગલ્સ અને ડિજિટલ મીડિયા દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમજ શાળાઓમાં જીવંત નિદર્શન દ્વારા યુવા પેઢીને પરંપરાગત કારીગરી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે પ્રેરિત કરવામાં આવી રહી છે.

વર્ષ 2014-15 સુધી ગણેશોત્સવમાં મોટા પાયે POP મૂર્તિઓનો પ્રયોગ થતો હતો, જેના કારણે જળસ્ત્રોતોમાં ઝેરી તત્વો ફેલાતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 2015-16થી રાજ્ય સરકારે માટીની મૂર્તિઓને પ્રોત્સાહિત કરવા ખાસ યોજના અમલમાં મૂકી છે.

સ્ટોલ માટે અરજી:
આ યોજનાનો લાભ લેવા કારીગરોએ https://e-kutir.gujarat.gov.in/ પર અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ફોન 079-23251681-57 પર સંપર્ક કરી શકાય છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ