
પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા બોર્ડરના તમામ વિસ્તારોમાં વસવાટ કરતા પરપ્રાંતિયોનું વ્યાપક વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્ત રીતે આ ઓપરેશન અમલમાં મૂક્યું હતું.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાયે પરપ્રાંતિયો વચ્ચે શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા માટે ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ – ભુજ) દ્વારા પણ સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા હતા કે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ઓપરેશન દરમિયાન સોની બજારમાં કામ કરતા કારીગરો, મુસાફરખાના, હોટલો, ધાબાઓ, ગામડાઓમાં મજૂરી કામે આવેલા લોકો વગેરે સહિતના સ્થળોએ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું. અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કુલ ૯૨૭ લોકોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા, જો કે હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી નથી. છતાં, વિગતવાર તપાસની પ્રક્રિયા ચાલુ છે.
પશ્ચિમ કચ્છ પોલીસની જનતાને અપીલ છે કે જો આસપાસ કોઈ અજાણ્યો કે શંકાસ્પદ વ્યક્તી રહેતો હોય તો તરત જ કંટ્રોલ રૂમ નંબર ૯૮૮૯૮ ૮૪૨૮૪ અથવા ૦૨૮૩૨ ૨૫૦૯૬૦ પર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો.