
સુરત, તા. 24 એપ્રિલ 2025
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ગેરેજ ચલાવતા યુવાન પર શંકાસ્પદ હાલતમાં આવેલા પાંચથી વધુ શખ્સોએ પહેલા ધમકીભર્યો પ્રશ્ન પૂછ્યો અને પછી ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે.
ઉમેશ કુશવાહા નામના યુવાન પર હુમલો, પગમાં ઘાતક ઇજા
પ્રાપ્ત માહિતી મુજબ, ઇજાગ્રસ્ત યુવાનનું નામ ઉમેશ પરમાનંદ કુશવાહા (ઉ.વ. 35) છે, જે મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના વતની છે અને હાલમાં પાંડેસરાના પ્લોટ નં. 295/બી, આવિર્ભાવ સોસાયટી-02 ખાતે રહે છે. તેઓ તેમનાં ગેરેજ પર રોજીંદી રીતે કામ કરી રહ્યા હતા ત્યારે તારીખ 22 એપ્રિલ, સાંજે લગભગ 5:30 વાગ્યે, અચાનક શખ્સો આવી ચડ્યા.
સુરજ ઉર્ફે દદુ માનસિંગ નામના શખ્સે તેના બે સાથીઓ સાથે આવી ઉમેશને પુછ્યું:
“પડીકાનો ધંધો કોણ ચલાવે છે?”
આ પ્રશ્નના તરત પછી તેમણે ગાળો-બક્યો કરવાનું શરૂ કર્યું અને ઉમેશ પર તમાચા ઝીંકી દીધા. વિવાદની સ્થિતિ બેકાબૂ બનતાં હુમલાખોરે ઉમેશના જમણા પગના ઘૂંટણની નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક ઇજા પહોંચાડી હતી.
ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ, તપાસ શરુ
ઉમેશ કુશવાહાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ આધારે તજવીજ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોની શોધખોળ પણ ચાલી રહી છે.
સ્થાનિકોમાં ભયનું માહોલ, વેપારીઓમાં રોષ
આ ઘટનાને લઈ પાંડેસરા વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અને આરોપીઓને ઝડપથી પકડી કડક સજા કરવાની માગ ઉઠી છે.