પાટણના સાંસદ માતાજીના દર્શનાર્થે,સાંસદે માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી; અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવીને જીતની બાધા પૂર્ણ કરી

અંબાજી

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું મા જગત જનની માં અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. મા અંબાનું આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીખે પણ ખ્યાતિ ધરાવે છે. મા જગતજનની જગદંબા ના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે,ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દરરોજ હજારો લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ લેવા અંબાજી આવે છે. દેશભરથી અનેકો નેતાઓ અને અભિનેતાઓ પણ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે,ત્યારે આજે ગુજરાતના પાટણ જિલ્લાના સાંસદ માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

આજે પાટણ લોકસભા સીટના સાંસદ જીતીને અંબાજી દર્શન કરવા આવ્યા હતા. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા સીટ ઉપર ભારે ચઢાવ ઉતાર બાદ બીજેપીના ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો.લોકસભા ચૂંટણી બાદ અંબાજી મંદિરમાં હાલમાં વિજેતા સાંસદો દર્શન કરવા આવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર, શોભનાબેન બારૈયા અને આજે ભરતસિંહ ડાભી દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સાંસદે અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. જીત બાદ મંદિર ઉપર ધજા ચઢાવવાની માનતા માની હતી તે આજે પૂર્ણ કરી હતી. મંદિરના મહારાજ દ્વારા ભરતસિંહ ડાભીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સાંસદ માતાજીની ગાદી ઉપર પહોંચ્યા હતા. ત્યાં ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું.

:- મેરૂજી ઠાકોરે માનતા માની હતી :-

મેરૂજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે છે તેમને લોકસભા ચૂંટણીમાં પાટણના ભરતસિંહ ડાભીના વિજય થવા માટે માતાજીથી પ્રાર્થના કરી મંદિરના શિખરે ધજા ચઢાવવાની બાધા રાખી હતી,ત્યાર બાદ પાટણ જિલ્લા પર ભરતસિંહનો વિજય થતા આજે મેરૂજી ઠાકોર પાટણના સાંસદ સાથે આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી બાધા પૂર્ણ કરી હતી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (અંબાજી)